ગુજરાત, તા.૧૮
અમિત શાહે આજે ૧૮૮ હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપી છે. પડોશી દેશોમાંથી આવેલા ૧૮૮ હિન્દુ શરણાર્થીઓને સીએએ હેઠળ ભારતીય નાગરિક્તાના પ્રમાણપત્ર અમિત શાહે એનાયત કર્યા હતા. આ તકે અમિત શાહે જણાવ્યુ કે આ અત્યંત ભાવુક કરનારી ક્ષણ છે. અત્યાર સુધી આ લોકો શરણાર્થી કહેવાતા હતા હવે ભારત માતાના પરિવારમાં સામેલ થઈ જશે. શાહે કહ્યું સીએએ માત્ર દેશમાં વસેલા લાખો લોકોને નાગરિક્તા દેવાનો કાર્યક્રમ નથી. પરંતુ સીએએ દેશમાં વસતા લાખો શરણાર્થીઓને ન્યાય આપવાનો અને અધિકાર આપવાનો કાયદો છે. અમદાવાદના પંડિત દીનદયાલ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએ અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, આણંદના ૨ લોકોને નાગરિકતા પત્ર અપાયું. તો કચ્છના ૩, મહેસાણાના ૧૦, વડોદરાના ૩ લોકોને નાગરિકતા પત્ર અપાયું. ઉપરાંત મોરબીના ૩૬, પાટણના ૧૮ લોકોને નાગરિકતા પત્ર આપવામાં આવ્યું. રાજકોટના ૬, સુરેન્દ્રનગરના ૨૦ નાગરિકતા પત્ર આપ્યા. આ રીતે પાડોશી દેશોના ૧૮૮ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી.