સુરત, તા.૨૩
સરકારની નીતિના કારણે રાજ્યના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જાેઈએ છે કે, સુરત શહેરમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. આ વખતે ફરી એકવાર સુરતમાં તાપી નદીના આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા, પરંતુ સાથે સાથે વડોદરામાં જે ભયાનક સ્થિતિ સર્જાઈ છે તેના માટે સરકાર જવાબદાર છે. ભૂતકાળમાં સુરતમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિશન દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે રિપોર્ટનું પાલન થતું દેખાતું નથી.
સુરત શહેરની તાપી નદી અને વિશ્વામિત્ર નદીની આસપાસ જે ગેરકાયદેસર બાંધકામ થયા છે. એક સમયે સુરતમાં વહેતી તાપી નદીની વહન ક્ષમતા ૮થી ૧૦ લાખ જેટલું પાણી આવતું હતું, ત્યારે પણ સુરતને કોઈ તકલીફ થતી ન હતી, પરંતુ હવે સ્થિતિ એવી સર્જાય છે કે, તાપી નદીના આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે તેને લીધે તાપીમાં ખૂબ મોટા પ્રમાણમાં પુરાણ થયું છે જેને કારણે તાપી નદીની વહન શક્તિ ઓછી થઈ ગઈ છે. પરિણામે આ ગેરકાયદેસર બાંધકામોના કારણે સુરતીઓએ આજે ભોગવવાનો વખત આવે છે.
સુરતમાં ૨૦૨૬ હોય કે ત્યાર બાદ વારંવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેને માટે રાજકારણ અને સ્થાનિક અધિકારીઓની માનસિકતા જવાબદાર છે. અતિવૃષ્ટિ થાય અને કુદરતી આપત્તિ આવે સમજી શકાય, પરંતુ જે પ્રકારે સુરતમાં ભૂતકાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અત્યારે પણ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે તેમજ વડોદરાની વિશ્વામિત્ર નદીના કારણે જે પૂરની સ્થિતિ સર્જાય છે તેને માનવ સર્જિત માનવામાં આવી છે. અમે સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે, અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. રાજકારણીઓ ખાસ કરીને ભાજપના નેતાઓ પોતાના નજીકના લોકોને લાભ અપાવવા માટે તાપી નદીની આસપાસ કરોડો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામ કરવાની છૂટ આપી રહ્યા છે. સુરતથી લઈને કમલમ સુધી આ કમિશન પહોંચે છે, પરંતુ તેના પરિણામે સુરતીઓના ઉપર પૂરનું સંકટ રહે છે.
વિપક્ષનેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે તાપી નદીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રોજેક્ટ કાર્યરત છે. જેથી પાણી ઝડપથી વહી શકતું નથી. સ્થાનિક રાજકીય નેતા અને અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે.
આ લડાઈ માટે હવે સુરતીઓએ જાગવાની જરૂર છે. કાયદાકીય લડત અમે લડવા માટે તૈયાર છે. આગામી દિવસોમાં તાપી નદીની આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે ત્યાં અમારી જ્યાં પણ જરૂર જણાશે ત્યાં સુરતના સ્થાનિક લોકો સાથે મળીને અમે કોર્ટના દરવાજે જઈશું અને ન્યાયની માંગણી કરીશું.