બરેલી, તા.૩૦
બે દિવસ બાદ અંગ્રેજી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ અવસર પર નવા વર્ષની ઉજવણી કરવા અને એકબીજાને અભિનંદન આપવા માટે હોટલ, રિસોર્ટ અને પ્રવાસન સ્થળોએ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ અંગે ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અને મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ફતવો જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરવી, શુભેચ્છાઓ આપવી અને જલસાનું આયોજન ઈસ્લામિક શરિયતના પ્રકાશમાં ગેરકાનૂની છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે, નવું વર્ષ જાન્યુઆરીથી શરૂ થાય છે જે ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે. તે ખ્રિસ્તીઓની ધાર્મિક માન્યતા છે કે તેઓ દર વર્ષે પ્રથમ દિવસે ઉજવણી કરે છે અને તેમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ખ્રિસ્તીઓનો શુદ્ધ ધાર્મિક કાર્યક્રમ છે, તેથી મુસ્લિમો માટે નવા વર્ષની ઉજવણી કરવું ગેરકાયદેસર છે. ઈસ્લામ આવા કાર્યક્રમો પર સખત પ્રતિબંધ મૂકે છે.
મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ ફતવામાં કહ્યું કે, નવા વર્ષની ઉજવણી કરવી, એકબીજાને શુભેચ્છા પાઠવવી, ફટાકડા ફોડવા, તાળીઓ પાડવી, શોર મચાવવો, સીટી વગાડવી, લાઇટ બંધ કરીને હંગામો કરવો, ત્યારબાદ ફરીથી લાઇટ ચાલુ કરવી, નાચવું અને ગાવું, દારૂ પીવો, જુગાર રમવો, પોતાના મોબાઈલ વોટ્સએપ પરથી એકબીજાને મેસેજ મોકલીને અભિનંદન આપવી, આ તમામ બાબતો ઈસ્લામિક શરિયતના પ્રકાશમાં ગેરકાયદેસર છે.
ફતવામાં મુસ્લિમોને કહેવામાં આવ્યું છે કે, અન્યના ધાર્મિક તહેવારોમાં ભાગ લેવાનું પોતે પણ ટાળવું અને બીજા મુસલમાનોને પણ આમ કરતા રોકવા જાેઈએ. જાે કોઈ વ્યક્તિ આ પ્રકારનું બિન-શરિયત કામને અંજામ આપશે તો તે મોટો ગુનેગાર ગણાશે. મુસલમાનોએ શરિયત વિરુદ્ધ કંઈ પણ કામ ન કરવું જાેઈએ.