સુરત, તા.૩૦
ઉત્તરાયણને હજુ ૧૬ દિવસ બાકી છે, એ પહેલાં જ સુરતમાં પતંગની દોરીથી ગળું કપાવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરના દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી મોપેડ પર પસાર થઈ રહેલા કતાર ગામના ૩૪ વર્ષના યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું ગ યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આ યુવકને સ્મિમેર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેના ગાળાના ભાગે ૨૦ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલા મીનાક્ષીવાડી ખાતે ૩૪ વર્ષીય રાકેશ મનોજ પરમાર પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે. રાકેશ બેગમપુરમાં મોટી ટોકીઝ સ્થિત સ્પોર્ટની દુકાન ચલાવે છે. ગઈ કાલે (૨૯ ડિસેમ્બર) સાંજે રાકેશ દુકાન બંધ કરી મોપેડ પર ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન મહીધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો, એ સમયે રાકેશના ગાળામાં પતંગનો દોરો આવતાં તેનું ગળું કપાયું ગયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. દોરાથી ગળું કપાયા બાદ યુવકનું મોપેડ સ્લિપ થઈ ગયું હતું અને તે માંડ માંડ બચ્યો હતો.
ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બાદમાં લોહીલુહાણ હાલતમાં રાકેશ પરમારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબ દ્વારા રાકેશને ગાળાના અંદરના ભાગે ૫ ટાંકા અને ગળાના બહારના ભાગે ૧૨થી ૧૫ જેટલા ટાંકા મળી કુલ ૨૦ ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ઉત્તરાયણના બે મહિના પહેલાં એક યુવાનનું ગળું કપાયું હતું. આ સાથે જ સુરત જિલ્લામાં એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મોત નીપજ્યું હતું. ૨ મહિના પહેલાં જ સુરત પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં શહેરમાં ૧૬ જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.