મુંબઈ, તા.૧૩
મુંબઈમાં એનસીપીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાન માટે પણ ખતરો છે અને ભૂતકાળમાં તેના ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈ પોલીસના સુત્રો પ્રમાણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો એવો દાવો છે કે બાબા સિદ્દીકીની હત્યા મામલે પકડાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા હોવાનો દોવા કર્યો હતો. આ આરોપીઓ છેલ્લા ૨૫-૩૦ દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ હત્યામાં ત્રણ શૂટર સામેલ હતા, જેમાંથી બેને પકડી લેવાયા છે. હરિયાણાનો ૨૩ વર્ષનો ગુરનેલ બલજિત સિંહ અને ઉત્તર પ્રદેશના ૧૯ વર્ષના ધરમરાજ કશ્યપને હત્યા બદલ પકડવામાં આવ્યા છે અને બીજાે એક શૂટર ફરાર છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે હત્યા કરવામાં કુલ ચાર લોકો સામેલ હતા. પોલીસનું કહેવું છે કે છેલ્લા ૨૫-૩૦ દિવસથી આ હુમલાનો પ્લાન ઘડવામાં આવી રહ્યો હતો. બાબા સિદ્દીકી કઈ જગ્યાએ જાય છે અને ક્યારે આવે છે તેના પર શૂટરોની નજર હતી. લોરેન્સ ગેંગે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર ધમકી પણ આપી છે. પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા કરવા માટે શૂટરોને ૫૦,૦૦૦ રૂપિયા એડવાન્સમાં અપાયા હતા. હત્યાથી માત્ર થોડા દિવસો અગાઉ જ તેમને હથિયારો ડિલિવર કરવામાં આવ્યા હતા. પોલીસ અત્યારે ત્રીજા શૂટરને પકડવા માટે શોધખોળ ચલાવી રહી છે. હવે સલમાન ખાનના ઘરની આસપાસ પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે. બાબા સિદ્દીકી જે કાર વાપરતા હતા તે બૂલેટપ્રૂફ હતી છતાં તેમાં ગોળી ઘૂસી ગઈ હતી. આ કેસ કોન્ટ્રાક્ટ કિલિંગનો હોવાનું માનવામાં આવે છે જેમાં બિઝનેસની હરીફાઈનો એન્ગલ છે કે નહીં તે પણ પોલીસ જાેઈ રહી છે.
બાબા સિદ્દીકી એ વ્યક્તિ હતા જેમણે એક સમયે સલમાનખાન અને શાહરુખ વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને બોલિવૂડમાં કેટલાક કલાકારો સાથે તેમને બે-બે પેઢીથી સંબંધ હતા. તેઓ મુંબઈમાં સૌથી ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે પણ જાણીતા હતા જેમાં ફિલ્મ જગતની સૌથી મોટી હસ્તિઓ હાજરી આપતી હતી.
૨૦૦૪થી ૨૦૦૮ વચ્ચે બાબા સિદ્દીકીએ મહારાષ્ટ્રમાં જુદા જુદા ખાતા સંભાળ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રેસિડન્ટ પણ હતા. તેમને ગઈકાલે ગોળી મારવામાં આવી તે સમયે જ તેમની હાલત ગંભીર હતી. ડોક્ટરે કહ્યું કે તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે કોઈ ધબકારા ન હતા, બ્લડ પ્રેશર ન હતું અને ઇસીજી પણ સીધી લાઈન બતાવતો હતો. તેમને તરત મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ડોક્ટરોએ જણાવ્યું કે સિદ્દીકીને બે ગોળી વાગી હતી. હકીકતમાં તેમના શરીરમાં કેટલા ગોળીના નિશાન છે તે પોસ્ટમોર્ટમ વખતે ખબર પડશે. તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં ન હતા અને ઘણું બધું લોહી વહી ગયું હતું. આ કેસમાં ૧૯ અને ૨૩ વર્ષના બે યુવાનને પકડવામાં આવ્યા તે દર્શાવે છે કે બહુ નાની રકમ માટે હત્યાના કોન્ટ્રાક્ટ લઈને મોટી રાજકીય હસ્તિઓની પણ હત્યા કરાવી નાખવામાં આવે છે.
અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી રાત્રે પોતાના દીકરા જીશાન સિદ્દીકીની ઓફિસ પર પહોંચ્યા હતા. તે જ સમયે કારમાં આવેલા ૩ શૂટરોએ તેમના પર ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. તેમાં બાબા સિદ્દીકીની છાતીમાં ૨ ગોળી અને એક ગોળી પગમાં વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબા સિદ્દીકીને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર ડોક્ટરોએ બાબા સિદ્દીકીની મૃત ઘોષિત કર્યા હતા.