સુરત,તા.૧૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦, સંસ્કૃત પ્રથમ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાશે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫થી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી આ પરીક્ષા યોજાશે.
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા ૧૫ માર્ચથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ૧૫ દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ની અને ૧૨ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ ૨૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની ૧૩ માર્ચ સુધી યોજાશે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય ૧૦થી ૧.૧૫ સુધીનો રહેશે. જ્યારે ધોરણ ૧૨નો સમય ૩થી ૬.૧૫ સુધીનો રહેશે. ધોરણ ૧૦ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો ૮૦ ગુણના રહેશે. દરેક પ્રશ્ન પત્રમાં ૧૫ મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે ૧૦ મિનિટ ફાળવવામાં આવશે. અને જવાબ લખવા માટે નિયમ મુજબ ૧ કલાકથી ૩ કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના ૩૦ મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે. બાકીના દિવસોએ ૨૦ મિનિટ અગાઉ રહેવાનું રહેશે. આ સાથે જ ગુજકેટ ૨૦૨૫ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૨૫ માટે રાજ્યમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ છ, ગ્રુપ- બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા ૨૩ માર્ચ ૨૦૨૫ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. ગુજકેટની પરીક્ષા ૨૩ માર્ચ ૨૦૨૫ના રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.