નવી દિલ્હી, તા.૨૦
આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે ટોણો પણ માર્યાે હતો કે જે લોકો આવા મુદ્દા ઉઠાવે છે તેઓ વિચારે છે કે તેઓ હિન્દુ નેતા બની જશે. આરએસએસ ચીફ સહજીવન વ્યાખ્યાન શ્રેણીમાં ‘ભારત-વિશ્વગુરુ’ વિષય પર વાત કરી રહ્યા હતા.
ભાગવતે કહ્યું, ‘અમે લાંબા સમયથી સુમેળમાં રહીએ છીએ. જાે આપણે આ સદ્ભાવનાને દુનિયામાં ફેલાવવી હોય તો આપણે એક મોડેલ બનાવવું પડશે. રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ આવા જ મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બની જશે. આ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું કે તે તમામ હિંદુઓની આસ્થાનો વિષય છે.તેમણે કહ્યું, ‘રોજ એક નવો મામલો સામે આવી રહ્યો છે. આને કેવી રીતે મંજૂરી આપી શકાય? ભારતે બતાવવું પડશે કે આપણે સાથે રહી શકીએ છીએ. જાેકે, આ દરમિયાન તેમણે કોઈ ચોક્કસ મુદ્દા કે સ્થળનું નામ લીધું ન હતું.
તાજેતરના સમયમાં, મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની અનેક માંગણીઓ કોર્ટમાં પહોંચી છે.તેમણે કહ્યું કે બહારના કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવે. તેમણે કહ્યું, ‘પણ હવે દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.
આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે, જેઓ સરકાર ચલાવે છે. વર્ચસ્વના દિવસો ગયા. તેમણે કહ્યું કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનમાં પણ આવી જ ધર્માંધતા જાેવા મળી હતી, જાેકે તેમના વંશજ બહાદુર શાહ ઝફરે ૧૮૫૭માં ગાયની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો.
તેમણે કહ્યું, ‘અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓને આપવાનું નક્કી થયું હતું, પરંતુ અંગ્રેજાેએ બંને સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરી. ત્યારથી, અલગતાવાદની લાગણી અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.’ભાગવતે કહ્યું કે જાે દરેક પોતાની જાતને ભારતીય માને છે તો શા માટે સર્વાેપરિતાની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આરએસએસના વડાએ કહ્યું, ‘કોણ લઘુમતી અને કોણ બહુમતી? અહીં દરેક વ્યક્તિ સમાન છે. આ દેશની પરંપરા એવી છે કે દરેક વ્યક્તિ પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરી શકે છે. માત્ર જરૂરિયાત છે સદ્ભાવનાથી જીવવાની અને નિયમો અને કાયદાઓનું પાલન કરવાની.