સુરત : વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રી પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું…
લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં. ત્યારે નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય એ રીતનું આયોજન કરવાનું લજ્જા શાહે નક્કી કર્યું હતું. તેઓએ આ માટે ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરવાનું નક્કી કર્યું અને 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વાયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા અને એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો. સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે જણાવ્યું હતું કે લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા અને ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.
સુરતમાં ચલાવતા હતા દોડિયો ક્લાસ
લજ્જા શાહ મૂળ સુરતના વતની છે, તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોડીયો ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થાય છે ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે. એટલું જ નહીં પણ તેઓ ઓનલાઇન ક્લાસના માધ્યમથી પણ લોકોને ડાન્સ શીખવાડી રહ્યા છે.