મુંબઈ, તા.૨૩
બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનના શરતી જામીન મંજૂર કર્યા છે. ૨૦૦૧માં જયા શેટ્ટી હત્યા કેસમાં દોષિત છોટા રાજનને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝનલ બેન્ચે રૂ. ૧ લાખના બોન્ડ પર રાજનના જામીન મંજૂર કર્યા છે. અંડરવર્લ્ડ ડૉન છોટા રાજને ૨૦૦૧માં હોટલ માલિક જય શેટ્ટીની હત્યાકાંડમાં સજા રદ કરવા અને જામીનની માંગ કરતા બોમ્બે હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. સીબીઆઇએ છોટા રાજનની અરજીનો વિરોધ કર્યો હતો. મુંબઇની એક વિશેષ સીબીઆઇ કોર્ટે તેને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ ઘટનામાં સામેલ ત્રણ અન્ય શૂટર્સને પણ આજીવન કારાવાસની સજા થઈ હતી.
સાઉથ મુંબઇમાં ‘ગોલ્ડન ક્રાઉન’ હોટલના માલિક જય શેટ્ટીની મે-૨૦૦૧માં તેમની ઓફિસ સામે જ બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ એક આરોપી અજય સુરેશ મોહિતે ઉર્ફ અજય સૂરજભાન શ્રેષ્ઠ ઉર્ફ અજય નેપાલી ઉર્ફ ચિકનાની હથિયારો સાથે ધરપકડ થઈ હતી. તેના પર જય શેટ્ટીને ગોળી મારવાનો આરોપ હતો, તેનો સાથી કુંદનસિંહ રાવત ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ બાદમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
રાજન મુંબઈના તિલક નગરમાં સિનેમાની ટિકિટોની કાળાબજારી ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો. બાદમાં ૧૯૭૯માં તેની પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવા બદલ ધરપકડ થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ તે બડા રાજન ગેંગમાં જાેડાયો હતો. બડા રાજનને ઠાર કરાતાં છોટા રાજને દાઉદની મદદથી મુંબઈમાં દાઉદના જમણા હાથ તરીકે પોતાની ગેંગનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. ૭૦થી વધુ હત્યા કેસમાં વોન્ટેડ છોટા રાજનની ધરપકડ ૬ નવેમ્બરે, ૨૦૧૫માં થઈ હતી.