મનપામાં અધિકારીઓને નવા ચાર્જ સોંપવામાં આવ્યા તો કેટલાક વિવાદિત અધિકારી પાસેથી ચાર્જ છિનવી લેવાયો
સુરત, તા.૨૬
સુરત મહાનગરપાલિકા દ્વારા હજીરાના ઉદ્યોગોને પુરૂં પાડવામાં આવનાર ટર્શરી ટ્રીટમેન્ટ વોટર પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયામાં ઈજારદારને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતાં ભારે ચર્ચા ઉઠવા પામી હતી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કેતન દેસાઈને અગાઉ શો-કોઝ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જાે કે, કમિશનરથી માંડીને સંબંધિત વિભાગના અધિકારીઓને પણ અંધારામાં રાખવાનો પ્રયાસ કરનાર કેતન દેસાઈ પાસેથી હવે મહત્વપૂર્ણ તમામ પ્રોજેક્ટ્સ આંચકી લેવામાં આવ્યા છે અને તેમને હવે સેન્ટ્રલ સ્ટોર ખાતે સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલીનો ઓર્ડર કરવામાં આવતાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ હવેથી સિટી સ્ક્વેર અને પાલિકાની નિર્માણાધીન ભવનની જવાબદાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિલેશ પટેલને સોંપાવામાં આવી છે. આ સિવાય હાઈડ્રોલિક વિભાગના મિનેશ પટેલ, અઠવા ઝોનના કાર્યપાલક ઈજનેર મિતા ગાંધી સહિતના અધિકારીઓને કેતન દેસાઈ પાસેથી આંચકી લેવામાં આવેલા પ્રોજેક્ટ્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના વોટર રિસોર્સ એન્ડ રિક્રિએશન સેલના બરાજ, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ સહિત સિટી સ્ક્વેર અને કોર્પોરેશનના નવા એડમિનિસ્ટ્રેટીવ ભવન સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સંભાળનાર કેતન દેસાઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બન્યા હતા. સુરત મહાનગરપાલિકાની તિજાેરીને ઉધઈની જેમ કોરી ખાનારા અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરનાર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કેતન દેસાઈને અગાઉ પણ શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર પુરૂં પાડવાના પ્રોજેક્ટમાં મનપાની તિજાેરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચે તેવી દરખાસ્ત તૈયાર કરવાની સાથે-સાથે પ્રોસીજર લેપ્સ સહિતના ઘણા મુદ્દે શંકાના ઘેરામાં આવી ગયા હતા. ઈન્ચાર્જ એડીશનલ સિટી ઈજનેર દ્વારા હજીરાના ઉદ્યોગોને પૂરા પાડવામાં આવનાર ટર્શરી ટ્રીટેડ વોટરની દરખાસ્તમાં સમાવિષ્ટ ઘણા મુદ્દે ઉચ્ચ અધિકારીઓ અને વિશેષજ્ઞો પાસેથી કોઈપણ પ્રકારનો અભિપ્રાય મેળવવામાં ન આવ્યો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ટર્શરી ટ્રીટેડ વોટર થકી વર્ષે ૧૫૦ કરોડ રૂપિયા સુધીની આવક રળવામાં આવી રહી છે.
મનપા માટે આવકના મહત્વપૂર્ણ સ્ત્રોત સમાન આ પ્રોજેક્ટ્સ થકી વધુમાં વધુ આવક મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર પણ ગંભીરતાથી આગળ વધી રહ્યા છે અને તેના ભાગરૂપે જ પાંડેસરા અને સચીન બાદ હવે હજીરાના ઔદ્યોગિક એકમોને પણ ટર્શરી ટ્રીટેડ વોટર પુરૂં પાડીને આવક મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટમાં અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે મગાવવામાં આવેલા ટેન્ડરમાં છેલ્લા દોઢ વર્ષથી ઈજારદાર સાથે વાતચીત ચાલી રહી હતી. આમ છતાં કેતન દેસાઈએ ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં આ ટેન્ડર રજૂ કર્યું જ નહોતું. મહાનગરપાલિકાના અંદાજે સાત હજાર કરોડના પ્રોજેક્ટ સંભાળી રહેલા કેતન દેસાઈ વિરૂદ્ધ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આકરી કાર્યવાહીના ભાગરૂપે હવે તેમને મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં હડસેલી દેવાનો ર્નિણય લેવાયો છે અને તેમની પાસેથી આંચકી લેવામાં આવેલા તમામ પ્રોજેક્ટ્સનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિલેશ પટેલને સિટી સ્ક્વેર અને મનપાના નવા બની રહેલા વહીવટી ભવનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ રીતે જ હાઈડ્રોલિક વિભાગના મિનેષ પટેલને બરાજનો વધારાનો હવાલો, અઠવા ઝોનમાં ફરજ બજાવતાં મીતા ગાંધીને ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ, એફોર્ડેબલ હાઉસિંગના મૌલિક રાવને ટર્શરી ટ્રીટમેન્ટ અને રિસાયકલ સેલ, હાઈડ્રોલિક વિભાગના રાકેશ મોદીને એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ તથા સિટી ઈજનેર સ્પેશિયલ સેલના ઉમંગ નાયકને સિટી સ્ક્વેર અને નવા વહીવટી ભવનનો હવાલો સોંપાયો છે. દિવાળી પૂર્વે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવાદાસ્પદ કેતન દેસાઈ વિરૂદ્ધ કરવામાં આવેલ કાર્યવાહીને પગલે મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.