(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૫
દેશમાં ઘણી સરકારી યોજનાઓ ચાલે છે. આ યોજનાઓ સામાન્ય રીતે નાગરિકો માટે સરકાર શરુ કરે છે. પરંતુ આ યોજનાઓ નાગરિકોના ફાયદાની જગ્યાએ હવે સરકારી કર્મચારીઓ અને ઠગ લોકોના ફાયદા માટે ચાલતી હોય તેવું લાગે છે. આ જ યોજનાઓમાં કૌભાંડ પણ એટલા જ મોટા સામેર આવે છે. રાજ્યમાં સરકાર વિકાસની વાતો કરે છે પણ કૌભાંડ પર વાત કરવા તૈયાર નથી.
દર્દીઓના જીવ જાય કે તેમનું જીવન બરબાદ થઇ જાય, પરિવાર રઝળતા થઇ જાય પરંતુ સરકારને તેની શું પડી છે. ત્યારે આવી જ એક સરકારી યોજનાને કારણે એક યુવકની નસબંધી કરી નાખવામાં આવી અને તેના જ કારણે હવે મહેસાણામાં ફરી આરોગ્ય વિભાગ પર ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.
મહેસાણાના નવી સેઢાવી ગામના ૩૧ વર્ષના અપરણિત યુવકનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી દેવાયું હતું. કારણ કે ગુજરાતની અંદર ૨૪ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી પુરુષનસબંધી પખવાડિયુ ઉજવવામાં આવ્યું અને આમાં દરેક જિલ્લામાં એક ટાર્ગેટ આપવામાં આવ્યો અને હવે એ ટાર્ગેટ પુરો કરવા માટે સરકારી અધિકારીઓએ આવા પેંતરા ચાલુ કર્યા. જે યુવક સાથે આ થયું તેના એક મહિના બાદ લગ્ન થવાના હતા. આ યુવકને પૈસાની લાલચ આપી દારૂ પીવડાવી કુટુંબ નિયોજનનુ ઓપરેશન કરાવી દીધું. અને આ ઓપરેશન અમદાવાદના અડાલજ ખાતે કરાવામાં આવ્યું હતું.
આ ઓપરેશન કરવા માટે ધનાલીના આરોગ્યકર્મી શેહજાઝ અજમેરીએ આ યુવકને તૈયાર કર્યો હતો તેવું પણ સામે આવ્યું હતું. આ ઘટનાનો ભોગ બનનાર યુવક ધનાલી વિસ્તારનો નહીં હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે હોબાળો મચતા આરોગ્ય કર્મીઓ દ્વારા ઓપરેશન ખોલવાની હિલચાલ પણ શરૂ થઈ ગઈ છે. ભોગ બનેલા યુવકને ન્યાય અપાવવા ગામના આગેવાનો માંગ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગને રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ૧૭૫ પુરુષોને નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ત્યારે આ અપરિપક્વ યુવકની નસબંધી કરી દેવાનો મુદ્દો અનેક સવાલો ઉભા કરે છે. સરકાર દ્વારા નસબંધી કરાવનાર પુરુષને ૨૪૦૦ રુપિયા આપવામાં આવે છે. અહિંયા હવે એ સવાલ થઈ રહ્યા છે કે આરોપેશન માટે પ્રોજેકટ ઇન્ચાર્જ જવાબદાર કે પછી આરોપેશન કરાવનાર ? સરકારે જવાબદારોને દબાણ કરવામાં આવતું હોવાની ચર્ચા છે ત્યારે ધનાલીના આરોગ્ય કર્મીએ આ યુવકને તૈયાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છેપ. હવે એ જાેવાનું છે કે આમાં શું નવા ખુલાસા થાય છે.. કે પછી કોઈ બીજા પણ ભોગનાર સામે આવે છે.