- ઇન્ડિયન ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા પોનઝી સ્કીમમાં ફસાયા, બોલીવૂડ એક્ટર સોનુ સૂદ પણ એક કા તીન ના ચક્કરની જાળમાં સપડાઇ ગયા
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૪
BZ GROUPના કૌભાંડનું લિસ્ટ તપાસી રહેલી સીઆઈડી ક્રાઈમને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે આ લિસ્ટમાં સ્ટાર ક્રિકેટરોના નામ જોયા. સીઆઈડી ક્રાઈમે શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા સહિત 5 ક્રિકેટરોના નામ લિસ્ટમાં જોતાં ચોંકી ગઈ હતી. આ લિસ્ટમાં બોલીવૂડ એક્ટર સોનુ સૂદનું પણ નામ આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ પર મંગળવારે CID દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ છે. 1 મહિનાથી BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસની અલગ અલગ ઓફિસો પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. BZ GROUP સંચાલિત BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે જેમાં મહિના 3 ટકાથી લઇને વર્ષે 33 ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. રેડ દરમિયાન રૂ.175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.
BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમ માટે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDને રેડ દરમિયાન 16.37 લાખ રોકડા, એગ્રીમેન્ટ અને 34 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જે મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 જેટલા લોકો તથા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા એજન્ટને 5 થી 25 ટકા કમિશન આપવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડથી ઓછું કે વધુ રકમનું પણ હોય શકે છે.
- ભુપેન્દ્રસિંહ ઝાલા ભારતમાં જ, હજુ વિદેશ ભાગ્યો નથી
સમગ્ર કૌભાંડ કર્યા બાદ અને રોકાણકારોને નવડાવ્યા બાદ હવે ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ચર્ચા છે કે, તે દેશની બહાર નીકળી ગયો છે. તો એવુ પણ ચર્ચા છે કે, તેણે ભારત હજી છોડ્યું નથી. તેથી તેની દેશના વિવિધ જગ્યાએ તપાસ કરવામા આવી રહી છે. જોકે, તે તેનો પાસપોર્ટ લઈને નીકળ્યો હોવાનું કહેવાય છે. - મહાઠગ સાધુસંતોને પણ મોજ કરાવતો
બી ઝેડ ગ્રુપ કૌભાંડ મામલે ઠગ ભુપેન્દ્ર ઝાલાનો વધુ એક અય્યાશીભર્યો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોના પૈસે ઠગ ભુપેન્દ્ર ઝાલા સાધુ-સંતોને હેલિકોપ્ટરની પ્રવાસ કરાવી હતી. ઠગ ભુપેન્દ્ર ઝાલા હેલિકોપ્ટરમાં સાધુ સંતોને મોજ કરાવતો હોય તેવો વિીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઠગ ભુપેન્દ્ર ઝાલાના નવાબી ઠાઠ જોઈ રોકાણકારોને હવે પોતાના રૂપિયા ભૂલી જવાના દિવસો આવ્યા છે. - એજન્ટ કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટ આપી હતી
ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેથી એક બાદ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરવાનો સિલસિલો ચાલુ છે. હિંમતનગરનો કમલેશ મોચી નામનો એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યો હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ મોચી પણ ભૂગર્ભમાં ઉતર્યો છે. કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટ આપી હતી. કમલેશ મોચીએ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સહિત પ્રતિષ્ઠિત લોકોના રુપિયાના રોકાણ કરાવ્યા હતા. સીઆઈડીનો ગાળીયો કસાતા જ કમલેશ મોચી ઘરને તાળા લગાવી ગાયબ થયો છે. તેની ઘર આગળથી મર્સિડિઝ કાર પણ ગાયબ થઈ છે. આમ, સાબરકાંઠા-અરવલ્લીમાંથી ૧૦૦ જેટલા એજન્ટ-મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે.