(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૪
બીઝેના ૬૦૦૦ કરોડના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાને લઇને વધુ એક ખુલાસો થયો છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીને લાખો રૂપિયાનું દાન આપ્યું હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના ધામડીમાં ભાજપને આ ફંડ આપ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા ગૃહરાજ્યમંત્રી પાસે આ સમગ્ર ઘટનાને લઇને જવાબ માંગવામાં આવ્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજીને બીઝે ગ્રુપના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના ભાજપ સાથે સુવાળા સંબંધો હોવાનો ખુલાસો કર્યો છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠાના વડાલી તાલુકાના ધામડીમાં ભાજપને ૨૦૨૩માં સત્તાવાર રીતે ફંડ આપ્યું હોવાનો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તાએ આ સાથે જ પુરાવા પણ રજુ કર્યા છે.
મનીષ દોશીએ પુરાવા રજૂ કરતા કહ્યું કે, “ભુપેન્દ્રસિંહ ઝાલાએ ૨૧-૩-૨૦૨૩માં ૯૯ હજાર ૯૯૯ રૂપિયા ભાજપને પાર્ટી ફંડમાં આપ્યા હતા. તે પછી ૫૧ હજારનો ચાંદલો પણ કર્યો હતો. ભુપેન્દ્રસિંહ ઝાલાએ તે પછી ફરી એક વખત ૯૯ હજાર ૯૯૯ રૂપિયાનું ફંડ આપ્યું હતું. તે પછી ૫૧ હજાર ૦૦૧ રૂપિયા આપ્યા હતા અને તે બાદ એક રૂપિયાનું ફંડ પણ આ તારીખ દરમિયાન જ આપ્યું હોવાનો ખુલાસો થયો છે. કોંગ્રેસના પ્રવક્તાએ આ સાથે જ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપની “ચંદા દો ધંધા લો”ની નીતિ રહી છે. ભાજપના આશીર્વાદથી આવા અનેક ભુપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં હજારો રોકાણકારોને ડુબાડી રહ્યાં છે ત્યારે સરકારમાં બેઠેલા મંત્રી અને સંત્રી પોતાની જાતને બચાવવા માટે દૂર ભાગી રહ્યાં છે. અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર એમ કહે છે કે, અમને તો બોલવાની પણ ના પાડવામાં આવી છે ત્યારે તેના તાર ક્યા સુધી લંબાયા છે. ભુપેન્દ્રસિંહ ઝાલા મામલે ઝ્રૈંડ્ઢ ક્રાઇમ કહી રહી છે તેમ ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ભાજપને આપેલા સત્તાવાર નાણાં ક્યા અને કેટલા કાંડ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે. કેટલા ભુપેન્દ્રસિંહ ઝાલાને લૂંટના લાયસન્સ આપેલા છે આ બધાનો જવાબ ગૃહરાજ્યમંત્રીએ આપવો જાેઇએ.