સુરત, તા.૧૭
સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં થયેલી ભૂલો અને તેની સામે થયેલી કાર્યવાહીનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વકીલ કમલેશ રાવલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ને ૧૯ ડિસેમ્બર પહેલાં એક કમિટી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જે તમામ ઉમેદવારોના ફોર્મની ફરીથી ચકાસણી કરશે. આ ર્નિણયના પગલે ચૂંટણી પ્રચારમાં જાેરશોરથી વ્યસ્ત દાવેદારોમાં ચિંતા છવાઈ ગઈ છે.
સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનાં પ્રમુખ પદના દાવેદાર દીપક કોકાસ સહિતના અન્ય પદોના કેટલાક દાવેદારોએ ઉમેદવારી ફોર્મમાં કરેલી ભૂલ છતાં સુરતના ચૂંટણી અધિકારીની ટીમે ફોર્મ મંજૂર કરી દેતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થતા ૧૯ તારીખ પહેલા બીસીજીએ એક કમિટી બનાવીને તમામ ઉમેદવારોના ફોર્મની ફરીથી ચકાસણી કરવા નિર્દેશ આપ્યો હોવાનું વકીલ કમલેશ રાવલે ટેલીફોનીક વાતચીત ઉપર જણાવ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટના આ નિર્દેશથી ચૂંટણીનો જોર શોરમા પ્રચાર પ્રસાર કરી રહેલા ઉમેદવારોમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. નોંધનીય છે કે પીટીશનર દ્વારા ઇલેક્શન ઉપર સ્ટે મૂકવા બાબતે જે દાદ માગી હતી તે ઉપર અરજદારને કોઈ કાનૂની રાહત મળી નથી.
સુરતના એડવોકેટ કમલેશ રાવલે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં સામે પક્ષકારો તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત(બીસીજી), સુરતના મુખ્ય ચુંટણી કમિશનર કમલનયન અસારાવાલા અને પ્રમુખ પદના દાવેદાર દિપક કોકાસને જોડયા હતા. પીટીશનર અરજીમાં દાદ માગવામાં આવી હતી કે, ફોર્મ ચકાસણી દરમિયાન સુરત જિલ્લા વકીલ મંડળની ચુંટણી અધિકારીની ટીમે પ્રમુખ પદના દાવેદાર દિપક કોકાસ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ અને સોગંદનામામા ટાઈપીકલ ભુલો કરી હતી, છતા તેમના ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે અને ઉમેદવારોના ફોર્મ ફાઈનલ કર્યા હતા. આ બાબતે બીસીજીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ બીસીજીએ મારી(અરજદાર) ફરિયાદ રદ કરી દીધી છે. જેથી બીસીજીએ કરેલા ર્નિણયને સેટેસાઈડ કરવામાં આવે તેવી દાદ માગી છે. આ ઉપરાંત ફોર્મ ચકાસણી દરમિયાન મતદારો અને અન્ય ઉમેદવારોની હાજરી દરમિયાન ફોર્મ ચકાસણી કરવા નહિ દેવામાં આવે તેવા સુરત જિલ્લા વકીલ મંડળના મુખ્ય ચુંટણી અધિકારી અને બીસીજીના ર્નિણયને પણ સેટેસાઈડ કરવા દાદ માગી હતી.
વધુમાં દાદ માગી હતી કે, પ્રમુખ પદના દાવેદાર દિપક કોકાસે પોતાના ઉમેદવારી ફોર્મમાં ઉપપ્રમુખ પદ માટેનું ફોર્મ ભરી નાંખ્યુ હતું. આ હકીકત જાણવા છતાં સુરત વકીલ મંડળની ચુંટણીના મુખ્ય ચુંટણી કમિશ્નરે આ ઉમેદવારનું ફોર્મ પ્રમુખપદના ઉમેદવાર તરીકે માન્ય રાખ્યુ હતું. જેથી ઉમેદવાર દિપક કોકાસ સહિત જે કોઈ પણ દાવેદારોના ફોર્મમાં ભુલ છે તે તમામના ફોર્મ રદ કરી ઈલેક્શન પર સ્ટે આપવા પણ માગ કરી હતી.
આજે બપોરે આ અરજી ઉપર સુનાવણી થઈ હતી. પીટીશનર કમલેશ રાવલ તરફે એડવોકેટ સૂરજ શુક્લા અને પરમ દવેએ દલીલો કરી હતી, જ્યારે બીસીજી તરફે વકીલ સૌરભ મહેતાએ દલીલો રજૂ કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધા પી. માઈ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નિર્દેશ આપ્યો હતો કે આ અરજીના અનુસંધાને ૧૯ તારીખ પહેલા બાર કાઉન્સિલ એકટની કલમ ૪ (જી) હેઠળ આ મામલે તાકીદે એક કમિટીની નિમણૂક કરી જરૂરી ર્નિણય કરવામાં આવે હાઇકોર્ટે વધુ સુનાવણી ૧૯ મીએ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.