પતંગ બજારમાં છેડતી-ચોરીની ઘટનાને રોકવા પોલીસની તૈયારી
સુરત,તા.૧૧આ વખતે પોલીસ હાથમાં ડંડો નહીં, પરંતુ પિપૂડા લઈને ફરી રહી છે. ઉત્તરાયણ પર્વને લઈને સુરતના ૧૦૦ વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ-લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં, પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપૂડી લઈને પોલીસ ફરી રહી છે. આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતિલાલાઓ પતંગ-દોરાની ખરીદીમાં લાગી ગયા છે. શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ-દોરાની ખરીદીમાં લોકો ભીડ જામી છે. આગામી ૧૧, ૧૨ અને ૧૩ તારીખે પતંગ-દોરીની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એ હદે વધશે કે પગ મૂકવાની પણ જગ્યા નહિ રહે. ત્યારે આવી ભીડનો ફાયદો ખિસ્સાકાતરું ઉઠાવી મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે. ત્યારે આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે.
પતંગ બજાર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ ૩ દિવસ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર બંદોબસ્ત રાખશે. સાથે જ ડ્રોન કેમેરાની મદદથી સતત વોચ રાખવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકના વેશમાં પોલીસકર્મીઓ સતત બજારમાં ફરતા રહેશે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરવામાં આવશે. સાથે બજારમાં આવેલી ઊંચી ઈમારતો પરથી પોલીસ દૂરબીનની મદદથી પણ ચાંપતી નજર રાખી રહી છે, જેથી દરેક હિલચાલ પર નજર રહે. કોઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરે તો તેને તુરંત ઊંચી ઈમારતો પર તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓ દૂરબીન અને વોકીટોકીની મદદથી માહિતી આપશે, જેથી ચોર તુરંત પકડાઈ જાય.