સુરત, તા.૧૧
ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો-વ્યવસ્થાનું શાસન જાણે કે ધ્વસ્ત થઈ ગયું હોય તેમ ધોળા દિવસે સચિન વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં માત્ર હત્યા જ નહી, પરંતુ ઘટના બાદ જે રીતે માનવતા મરી પરવારી તેનો વીડિયો જાેઈને લોકોના હ્રદય કંપાઈ ઉઠ્યા છે. એક યુવક લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે કરગરતો રહ્યો, પરંતુ આસપાસના લોકો વીડિયો શૂટ કરવામાં વ્યસ્ત રહ્યા અને કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની તસ્દી ન લીધી. આ હત્યા મોબાઈલ ચોરીની અદાવતમાં કરાઈ હતી. આ સમગ્ર મામલે સચિન પોલીસે જુવેનાઈલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
સચિન પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી. થોડા દિવસ અગાઉ ઈમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ (ઉ.વ. ૨૮)નો મોબાઈલ ચોરાઈ ગયો હતો. આ બાબતે વિપિન અને તેના મિત્ર અમનસિંહનો ઈમરાન અને અયાન સાથે ઝઘડો થયો હતો, જેમાં વિપિને ઈમરાનને માર માર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને મોતને ઘાટ ઉતારવાનો કાવતરું ઘડ્યું હતું.
૧૦ ઓગસ્ટના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે, સચિન સુડા સેક્ટરની શિવ દર્શન કોમ્પલેક્સની બાજુમાં આવેલ સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સેવા સમાજની વાડી નજીક આ ઘટના બની હતી.
પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને ઈમરાન, રાજીક, અયાન અને અન્ય ત્રણ જેટલા આરોપીઓ કુલ છ લોકો ચાર બાઈક પર આવ્યા હતા. તેમણે વિપિન અને તેના મિત્ર અમનસિંહ પર હથિયારો વડે હુમલો કર્યો હતો. અમનસિંહને લાકડીના ફટકા માર્યા હતા, જ્યારે વિપિન પર ઈમરાન અને રાજીક સહિતના આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
આરોપીઓએ વિપિનના જમણા પગના જાંઘ અને પાછળના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. વિપિન લોહીલુહાણ હાલતમાં મદદ માટે કરગરતો રહ્યો, પરંતુ આસપાસના લોકોએ વીડિયો બનાવવામાં વધુ રસ દાખવ્યો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં વિપિન પીડાથી કણસતો અને મદદ માટે આજીજી કરતો જાેવા મળે છે. તેના આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની કે પ્રાથમિક સારવાર આપવાની પણ જરૂર નહોતી સમજી.
આ કિસ્સામાં સૌથી કરુણ બાબત એ છે કે જાે વિપિનને સમયસર સારવાર મળી હોત, તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત. પરંતુ લોકોની નિષ્ક્રિયતા અને કાયરતાએ તેને મોતને ભેટવા મજબૂર કરી દીધો. આ ઘટના સમાજની બદલાતી માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે, જ્યાં લોકો એક જીવ બચાવવાને બદલે મોબાઈલમાં કૅમેરો ઓન કરવામાં પ્રાધાન્ય આપે છે. એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે , સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીર (જુવેનાઈલ)નો પણ સમાવેશ થાય છે. અન્ય આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કુલ છ આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા, જેમાંથી બે સગીર છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
