સુરત,તા.૧૫
તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે તેમજ હાલ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ છે. તેઓ ૧૬ જાન્યુઆરીની સાંજે દિલ્હી જવા રવાના થવાના હોવાથી એ પહેલાં જ યાદી જાહેર થવાની શક્યતા છે.
રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે યાદી આવી ગઈ છે, જેથી હવે ગમે તે ઘડીએ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનાં નામ જાહેર થઈ જશે. શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ૩૩ જિલ્લા પ્રમુખ અને આઠ શહેર પ્રમુખ મળી ૪૧ જગ્યા માટે ત્રણસો ગણાથી વધુ એટલે કે ૧૩૦૦ આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી.
બૂથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી પર સૌકોઈની નજર છે. શહેર-જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાથી પાર્ટી માટે પસંદગી થોડી મુશ્કેલ બની છે. ત્યારે અનેક જિલ્લાઓમાં દાવેદારો સિવાય કોઈ અન્યની પેરાશૂટ એન્ટ્રી થવાની પણ શક્યતા છે.
રાજ્યમાં આવનારા મહિનાઓમાં ૭૨ પાલિકા, ૯૨ તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે, સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ પક્ષમાં વકરેલા જૂથવાદને લઈ હાઇકમાન્ડ પણ એલર્ટ થઈ ગયું છે.
સુરત જિલ્લાના વિવાદ અંગે વાત કરીએ તો કુલ ૧૭ ઉમેદવારે પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે પ્રમુખપદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી. સુરત જિલ્લા ભાજપના જીઝ્ર મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.
વોર્ડ અને તાલુકા પ્રમુખો બનવા સમયે પણ ઉંમર ઘટાડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. વોર્ડ અને તાલુકાના પ્રમુખો બનાવવા માટે ૪૦થી વધુ વયના કાર્યકરોની પસંદગી ન કરવી એવો ર્નિણય લેવાયો હતો, જેથી કેટલાક ‘હોશિયાર’ ભાજપ નેતાઓએ આ માપદંડમાં ગોઠવાઈ જવા નકલી જન્મ પ્રમાણપત્રો તૈયાર કરાવી દીધાં. ૪૦થી વધુ વયના જ વોર્ડ અધ્યક્ષ બની શકે એ માટે રાજકોટ અને અમદાવાદના ભાજપ નેતાએ પણ નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરી ઉંમર ઓછી કરી દીધી હતી.
- સુરત શહેર માટે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ સહિત અનેક દાવેદાર
જ્યારે સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદન સિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ-પ્રમુખ નીતિન ભજિયાંવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નીરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જાેધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરાયાં હતાં. આ સિવાય ડ્રેનેજ કમિટી ચેરમેન કેયૂર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી.
- દાવેદારો સિવાયનાં નામની પણ જાહેરાત થઈ શકે
ભાજપ દ્વારા લોકશાહી પદ્ધતિથી સંગઠનની ચૂંટણી માટે દાવેદારોનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. વડોદરાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જે-તે સમયે કહ્યું હતું કે પાર્ટી, સંકલન સમિતિ અને પાર્લમેન્ટરી બોર્ડને સંપૂર્ણ અધિકાર છે કે દાવેદાર સિવાયનું નામ પણ આવી શકે છે, એટલે કે શહેર-જિલ્લામાં જે વરણી થવાની છે એમાં કેટલાકની પેરાશૂટ એન્ટ્રી પણ થઈ શકે છે.