થિરૂવનંતપૂરમ્, તા.૨૦
કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવી દે તેવી ઘટના સામે આવી હતી. કેરળના પથાનમથિટ્ટા જિલામાં અલગ-અલગ જગ્યાએ દલિત સગીરાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. હવે આ દલિત છોકરી પર થયેલા કથિત જાતીય શોષણના કેસમાં કુલ ૫૯ આરોપીઓમાંથી ૫૭ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. દેશની બહાર રહેલા બે આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.
જિલ્લા પોલીસ પ્રમુખ વી.જી. વિનોદ કુમારે જણાવ્યું કે, આ સંદર્ભમાં પહેલો કેસ ૧૦ જાન્યુઆરીના રોજ એલાવુમથિટ્ટા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને મોટા પાયે તપાસ કર્યા બાદ બે આરોપીઓને છોડીને નામાંકિત તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જે બે આરોપીઓની ધરપકડ નથી કરાઈ તેઓ હાલમાં દેશની બહાર છે.
અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ધરપકડ કરાયેલ છેલ્લો આરોપી ૨૫ વર્ષનો યુવાન હતો, જેની રવિવારે સવારે તેના ઘર નજીકથી ધરપકડ કરી લેવામાં આવી હતી. ભારતીય પોલીસ સેવાની મહિલા અધિકારી એસ. અજિતા બેગમના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ જિલ્લા પોલીસ પ્રમુખની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરી રહી છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પીડિતાના નિવેદનના આધારે જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં કુલ ૩૦ કેસ નોંધવામાં આવ્યા છે. આરોપીઓમાં પાંચ સગીર પણ સામેલ છે. પોલીસ ટીમનો ઉદ્દેશ્ય તપાસ પૂર્ણ કરીને શક્ય તેટલી વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાનો છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘણા આરોપીઓએ યુવતી સાથે પથાનમથિટ્ટાના એક ખાનગી બસ સ્ટેન્ડ પર મુલાકાત કરી હતી. ત્યારબાદ તેને વાહનોમાં અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવી અને જાતીય શોષણ કર્યું.
આ મામલે પોલીસે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ગત વર્ષે જ્યારે છોકરી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો ઈન્સ્ટાગ્રામનો મિત્ર રન્નીના એક રબરના બગીચામાં તેને લઈ ગયો હતો જ્યાં તેણે અન્ય ત્રણ લોકો સાથે મળીને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા પર ઓછામાં ઓછા પાંચ વખત સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં જાન્યુઆરી ૨૦૨૪માં કારની અંદર અને પથાનમથિટ્ટા જનરલ હોસ્પિટલમાં થયેલી ઘટના પણ સામેલ છે. પીડિતા હવે ૧૮ વર્ષની છે અને તેણે ફરિયાદ કરી છે કે, ૧૩ વર્ષની ઉંમરથી અત્યાર સુધીમાં તેનું ૬૨ લોકો દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું છે. પથાનમથિટ્ટા બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ રાજીવ એન. અનુસાર, સગીરાએ શાળાના કાઉન્સેલિંગ સેશનમાં પહેલીવાર જે જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો તે વિશે જણાવ્યું. બાળ કલ્યાણ સમિતિની દરમિયાનગીરી બાદ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. બાળકી પર યૌન શોષણ કરનારા મોટાભાગના આરોપીઓ કોચ, ક્લાસમેટ અને સ્થાનિક રહેવાસીઓ છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોક્સો એક્ટ અને અન્ય બાબતો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.