સુરત, તા.૨૧
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ ૮ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. આ દરમિયાન માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ તેને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે હવે આ મામલે સ્કૂલના ૧૦ જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જાેવા મળે છે કે વિદ્યાર્થિનીને લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી.
તો બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. સાથે કહ્યું કે, છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વાલીઓને જ ફી મામલે કહેવામાં આવે છે. બાળકીને તેનો પરિવાર જ ટોર્ચર કરતો હતો. હાલ વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોડાદરામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે સ્કૂલના ૧૦ જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ૧૦ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થિનીને લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી. સવારે ૭.૪૫થી ૯.૦૫ મિનિટ સુધી વિદ્યાર્થીનિ લેબમાં એકલી જ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, વિદ્યાર્થિની શરૂઆતમાં લેબના સિટિંગ સ્ટુલ ઉપર બેઠી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી હતી. લગભગ ૯.૦૬ મિનિટે વિદ્યાર્થિનીને કલાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી. આ મામલે જિલ્લા શિક્ષણધિકારી કચેરી દ્વારા પણ પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સ્કૂલ વાળા છોકરાઓને ટોર્ચર કરે, કોઈની મજબૂરી હોય મોડું થાય.
મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાન અને સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા નગર સોસાયટીમાં રાજુભાઈ ખટીક પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. રાજુભાઈ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે પૈકી મોટી દીકરી ભાવના ધોરણ-૮માં ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. ઉત્તરાયણની રજા બાદ ભાવના સ્કૂલે જતા ફી ન ભરી હોવાથી ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવતી હતી.