સુરત, તા.૨૨
સુરતમાં લિંબાયતના એક ગાર્ડનમાં ચાર વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી બે વર્ષીય બાળકીને ૨૧ વર્ષીય મનોવિકૃત યુવાન યૌનશોષણના ઇરાદે ઢસડીને શેડમાં લઇ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બને એ પહેલાં જ ત્યાં માતા પહોંચી જતાં બાળકી ઊગરી ગઇ હતી. જાેકે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્ર અને બે વર્ષની પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઇ હતી. બંને બાળકો તથા જેઠના આઠ વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યાં હતાં. અગિયાર વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઇ ગયાનું જણાવતાં માતા ત્યાં દોડી ગઇ હતી. રૂમનું દૃશ્ય વિચલિત કરનારું હતું. આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઇરાદે બાળકીને પણ આ શખસે બેન્ચ પર સૂવડાવી દીકરીનાં કપડાં અડધાં કાઢી નાખ્યાં હતાં. સદભાગ્યે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીંખાતી બચી ગઈ હતી.
માતાએ હિંમત દાખવી આ યુવકને પકડી લેવાની સાથે બૂમાબૂમ કરતાં ટોળું ભેગું કર્યું હતું. જ્યારે યુવકની હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી હતી. દરમિયાન લિંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ હતી અને બાળકી તથા આરોપી પીકેશ ભીખુ રાઠોડ (ઉં.વ. ૨૧)ને લઈ આવી હતી. પોલીસે માતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મનોવિકૃત યુવક ગાર્ડનની નજીકના વિસ્તારમાં જ રહે છે. હવસની આગમાં શેકાતા યુવકે પહેલા બાળકીના ચાર વર્ષના મોટા ભાઇને પોતાની સાથે લઇ જવાની કોશિશ કરી હતી, પરંતુ તે નહિ આવતાં તેની નાની બહેનને પકડી લીધી હતી અને બગીચામાં જ આવેલા શેડમાં લઇ ગયો હતો. જાેકે બાળક માતાને બોલાવવા દોડ્યું હતું અને સામેથી જ માતા આવતી દેખાતાં બાળકી ઊગરી ગઇ હતી.
પોલીસ-ઇન્સ્પેક્ટર વી.એ. જાેગરાણાએ જણાવ્યું હતું કે આરોપીનાં માતા-પિતા પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને તેની માનસિક સ્થિતિ સારી નહિ હોવાનું જણાવતાં હતાં. જાેકે તે વારંવાર લગ્ન કરાવી આપો એમ કહી તેમની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવતો હતો. યુવાનીમાં પ્રવેશેલા આ યુવક સેક્સ મેનિયાક છે કે કેમ એને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે વી.એ.જાડેજા (એસીપી સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે આ બાળકીનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ પકડાઈ જતાં તેને માર પણ મારવામાં આવ્યો હતો. યુવક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ આ યુવકને માર મારનાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.