સુરત, તા.૨૦
રાજ્યમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. જે સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઇસમે ૪ વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફંફોળીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની ૪ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો ૪૫ વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી.
આ જાેઈ શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા પોલીસ અને એલસીબીએ સંયુક્ત તપાસ આદરી આસપાસ વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઇસમ બાળકીને લઈ જતો જાેવા મળ્યો હતો. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ કડક પૂછપરછ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો ઍક્ટ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. સ્થાનિકો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
૧૬ ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૦ વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ ર્નિભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ર્નિભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.