સુરત, તા.૩૧
સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૧૮ની પેટા ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જાેવા મળશે. સૌપ્રથમ કોંગ્રેસે, ત્યાર પછી આમ આદમી પાર્ટીએ અને આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી હતી. કોંગ્રેસ તરફથી સંજય રામાનંદી, ભારતીય જનતા પાર્ટી તરફથી જિતુ કાછડ અને આમ આદમી પાર્ટી તરફથી સુરજ આહીરે ઉમેદવારી નોંધાવી છે. પેટા ચૂંટણી બાદ જે ઉમેદવાર વિજયી થશે તેઓ દસ મહિના સુધી કોર્પોરેટર તરીકે કાર્ય કરી લોકો વચ્ચે રહેશે.
ભારતીય જનતા પાર્ટીએ જિતુ મેપાભાઈ કાછડને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ ૪૬ વર્ષના અને મૂળ અમરેલી જિલ્લાના વણોટ ગામના રહેવાસી છે. શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહી આહીર સમાજ તથા ભાજપ સાથે લાંબા સમયથી જાેડાયેલા છે. ૨૦૧૦થી ભાજપમાં સક્રિય રહેલા જિતુ કાછડ ૨૦૧૦માં વોર્ડ નં. ૨૦ (હાલમાં વોર્ડ ૧૫)ના ઉપપ્રમુખ અને ૨૦૧૧માં મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. ૨૦૧૨માં ભાજપ બક્ષીપંચ મોરચા, સુરત શહેરના મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમનું સામાજિક ક્ષેત્રે વિશેષ યોગદાન રહ્યું છે. આહીર સમાજ સેવા સમિતિ, સુરતના પ્રમુખ તરીકે તેઓ ગુજરાતની સૌથી મોટી સમૂહલગ્ન સંસ્થા ચલાવે છે.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચેલા આહીર સમાજના સમૂહલગ્ન કાર્યક્રમોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. વડાપ્રધાન વિમા સુરક્ષા યોજનામાં ૨૧,૦૦૦ ફોર્મ ભરાવી સી. આર. પાટીલના પેપર તુલા દ્વારા ભારત દેશમાં પ્રથમ સન્માન પ્રાપ્ત કર્યું હતું.
શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ કૈલાસ વિદ્યાભવન, કતારગામ, સુરત અને રામકૃષ્ણ સ્કૂલ એન્ડ હોસ્ટેલ, મહુવા (ભાવનગર)ના સંચાલક છે. તેઓ સુરત શહેર શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ બાદ, કોંગ્રેસે સાણીયા હેમાદ ગામના નિવાસી સંજય રામાંધાર રામાનંદીને ઉમેદવાર જાહેર કર્યા છે. સંજય રામાનંદી અગાઉ સાણીયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચુક્યા છે. તેમના કાર્યકાળ પૂરો થયા બાદ તેમની પત્ની પણ સરપંચ તરીકે સેવા આપી ચૂકી છે. આ વિસ્તાર હવે સુરત મહાનગરપાલિકામાં સામેલ થયો હોવાથી, કોંગ્રેસે તેમને મજબૂત દાવેદાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.