સુરત, તા.૦૫
સુરતના અમરોલી વિસ્તારમાં બે વર્ષનું બાળક ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બાળકના પરિવારજનો અને સ્થાનિકો ઉમટી પડ્યા છે. સ્થાનિકો દ્વારા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગેલે ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલા સમુન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉ.વ. ૨) માતા સાથે જઈ રહ્યો હતો. તે દરમિયાન ૧૨૦ ફૂટના રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાળક તેમાં પડી ગયું હતું. સાંજે ૫.૩૦ કલાકે બનેલી આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી હતી.
જાેકે, કોઇ પત્તો ન લાગતા ફાયર વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ કલાકથી ૫૦૦ મીટરના એરિયામાં ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ બાકળનો કોઇ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.
