સુરત,તા.૬
સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. ગઇકાલે (૫ ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે એક ૨ વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ૨૪ કલાક બાદ આજે (૬ ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે.
હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે.
સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી છે. સતત ૨૪ કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે.
જણાવી દઈએ કે, અમરોલી – વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો ૨ વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આઈસ્ક્રીમ લેવા જતા કેદાર નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો. આ ઘટનામાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે.
સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હતો. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે મહાનગર પાલિકાના લાપરવાહીને પગલે માસુમ બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
