સુરત, તા.૧૨
સુરત શહેરમાં ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫થી હેલ્મેટ ચેકિંગના કડક અમલીકરણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ૩૦૦થી વધુ અધિકારીઓ અને ૩,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ શહેરના દરેક મુખ્ય જંકશન અને રોડ પર તૈનાત રહેશે અને વીડિયો ઓન કેમેરા તથા “વન નેશન, વન ચલણ” એપ દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોને ઇ-ચલણ આપવામાં આવશે.
૪૦થી વધુ સ્પેશિયલ ટીમો શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ અને જંકશન પર હાજર રહેશે અને સ્થળ-દંડ વસુલશે. ટ્રાફિક પોલીસ ઇન્ટરસેપ્ટર વેન દ્વારા પણ પેટ્રોલિંગ કરશે અને હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને પકડીને ઈ-ચલણ આપશે.
ટ્રાફિક પોલીસ ડ્રોનના માધ્યમથી હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોની ઓળખ કરશે. શહેરના ૭૭૨ સીસીટીવી કેમેરા દ્વારા હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચાલકોનું ઈ-ચલણ જનરેટ થશે. પબ્લીક એડ્રેસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ રૂમ પરથી જ એલર્ટ આપવામાં આવશે કે કોઈ જંકશન પર હેલ્મેટ વિના વાહન ચલાવતું વ્યક્તિ છે.
જાે કોઈ વ્યક્તિએ પાંચથી વધુ વખત હેલ્મેટ વિના વાહન ચલાવ્યું હોય, અને તેના વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ થયું હોય, તો આર.ટી.ઓ. ને રિપોર્ટ મોકલવામાં આવશે અને એવા વાહન ચાલકોનું લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાશે. શહેરમાં જે વિસ્તારોમાં હેલ્મેટના નિયમનું પાલન નથી થતું, ત્યાં ડ્રોન દ્વારા સર્વે કરીને વધારે પોલીસ ફોર્સ તૈનાત કરાશે અને વધુ ચલણ ફટકારાશે.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, હવે હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જાે સલામતીને મહત્વ આપશો નહીં, તો દંડ ભરવા માટે તૈયાર રહો.
