(સિટી ટુડે) સુરત,તા.૧૨
સુરત શહેરમાં વધુ એક દર્દનાક ઘટના બનવા પામી છે. શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર પાસે મનપાના ડમ્પર ચાલકે એક યુવતીને કચડી મારતા ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ૧૦૮ને ફોનકોલ કર્યા બાદ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ યુવતીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઘટના બન્યાના ૧ કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શહેરમાં બેફામ પણે યમદુતની જેમ ફરી રહેલા ડમ્પરો દ્વારા લોકો સાથે અકસ્માતના કિસ્સાઓ અગાઉ પણ અનેકવાર બની ચુક્યા છે.
થોડાક દિવસ પહેલા મનપા કર્મચારીઓ દ્વારા બેદરકારીના કારણે કેદાર નામના માસુમનું પણ ભોગ લેવાયું હતું. હવે મનપાના જ ડમ્પરના ડ્રાઇવર દ્વારા વધુ એક યુવતીનું ભોગ લીધા બાદ હવે તો તંત્ર દ્વારા જાગી યમદુતની જેમ ફરી રહેલા ડમ્પરો કાબુ મેળવવા હરકતમાં આવે તે જરૂરી બન્યું છે.
