સુરત, તા.૧૪
સુરતમાં રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતના ડાયમંડ ઉદ્યોગની જાણકારી મેળવવા માટે ડાયમંડ ફેક્ટરી પણ ગયા હતા. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલ અને પ્રિયંકા ૧૬મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે અને આ યાત્રાને લઈને તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “તેઓએ એટલા પાપ કર્યા છે કે મા ગંગાની પણ એક સીમા છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, પૂંછડી ત્યાં સુધી જ સીધી હોય છે જ્યાં સુધી પાઈપમાં હોય પણ પાઈપમાંથી નીકળ્યા પછી તે ફરી વાંકી થઈ જાય છે. હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું. માત્ર ગાંધી નામ રાખવાથી કોઈ ગાંધી બની જતું નથી. તેઓના પાપ એટલા વધુ છે કે ગંગાની પણ એક મર્યાદા છે. ગંગા અને યમુના એમની પાપ કેવી રીતે ધોઈ શકશે? આ લોકો પાપ ધોઈને મહાકુંભમાંથી આવશે, પણ ફરી પાછા આવીને પાપ કરશે.તેઓની આદત જ પાપ કરવાની છે. જાે તેઓ આ ઉદ્દેશ્યથી મહાકુંભ જઈ રહ્યા છે કે, એમના પાપ મટી જશે, તો તે તેમનું ભ્રમ છે.” વિપક્ષે મહાકુંભમાં અવ્યવસ્થા અંગે અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેને લઈને રાધા મોહનદાસ અગ્રવાલે કહ્યું કે,”વિપક્ષ જે કંઈ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે, તેનાથી અમને કોઈ વાંધો નથી. આ લોકતંત્ર છે. વિપક્ષે સત્તાપક્ષ પર સતત નજર રાખવી જાેઈએ. જાે ખામીઓ ન હોય તો તેને શોધીને લાવવી જાેઈએ, જેથી સત્તાપક્ષ તેને સુધારી શકે. જાે વાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હોય, તો હું આ આખા પરિવારને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું.”
