ગાંધીનગર, તા.૧૫
ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ઇવીએમ દ્વારા મતદાન થશે. જ્યારે ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને ૨૧મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
રાજ્યમાં ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો માટેની સામાન્ય અને ૨ નગરપાલિકાઓના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ ૩ તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ ૨ નગરપાલિકાઓની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થશે.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગર પાલિકાઓની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે. આવતીકાલે કુલ ૩૮લાખ ૮૬હજાર ૨૮૫મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
નગરપાલિકા, મહાનગરપાલિકા માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૧૩ બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ ૭,૦૩૬ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી ૧,૨૬૧ ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા. કુલ ૫,૭૭૫ ઉમેદવારી પત્ર માન્ય જાહેર થયા હતા. કુલ ૨૧૩ બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તો હાલ ૫,૦૮૪ ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મનપાની ૧૫ વોર્ડની ૬૦ બેઠકોમાંથી ૮ બિનહરીફ છે.
અમદાવાદ મનપાની વોર્ડ નં-૭ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાવનગર મનપાની વોર્ડ નં-૩ની બેઠક માટે પેટાચૂંટણી છે. સુરત મનપાની વોર્ડ નં-૧૮ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. નગરપાલિકાની કુલ ૧,૮૪૪ બેઠકોમાંથી ૧૬૭ બેઠક બિનહરીફ જાહેર થયા છે. કુલ ૧,૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાશે. પાલિકાની ચૂંટણી માટે કુલ ૪,૩૭૪ ઉમેદવારો મેદાનમાં છે.
