સુરત, તા.૧૮
સુરતના કામરેજમાં ગલતેશ્વર ખાતે તાપી નદીમાં પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને તેના પુત્રએ કૂદીને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા અને પુત્રના મૃતદેહને સુરતના કતારગામ સ્થિત મૃતકના મોટા ભાઈના ઘરે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારનાં ત્રણનાં મોતના પગલે પરિવારજનોમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો.
એકસાથે ત્રણ મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતાં જ પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ ગયો હતો. હૈયાફાટ રુદનને કારણે હાજર સૌકોઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંતિમક્રિયાની વિધિ હાથ ધરવામાં આવી હતી. સામૂહિક આપઘાત કરનાર પ્રજાપતિ પરિવારના ત્રણ મૃતકો માતા-પિતા અને પુત્રની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પરિવારના આક્રદથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. ત્રણેયની અંતિમયાત્રા નીકળતાં જ મૃતકનાં માતા અને ભાભી આઘાતમાં બેભાન થઈ ગયાં હતાં. જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ખાતે ત્રણેયની અંતિમવિધિ કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના કામરેજમાં એક સ્થાનિક નાગરિકે કામરેજ પોલીસને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી કે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના પાણીમાં એક મહિલાનો મૃતદેહ પડ્યો છે. કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં પહેલાં ગત રાત્રે મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષ (પિતા-પુત્ર)ના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા હતા.
કામરેજ પોલીસ મથકના પી.આઈ. એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ મૂળ સૌરાષ્ટના ભાવનગર જિલ્લાના અને હાલ સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ધંધામાં આવેલી મંદી તેમજ શેરબજારમાં કરેલા રોકાણમાં ખોટ જતાં આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. પત્ની સરિતાબેન પ્રજાપતિને પણ માનસિક બીમારી હતી, જેથી આ સમસ્યાઓથી કંટાળી તેમણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. પરિવારની બાજુમાં રહેતા પાડોશીઓને બાગ-બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘરે પરત આવતાં મોડું થશે એવું કહી ઘરેથી નીકળી ગયાં હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનાં નામ વિપુલ રવજી પ્રજાપતિ (પતિ), સરિતાબેન પ્રજાપતિ (પત્ની) અને વ્રજ પ્રજાપતિ (સંતાન) છે. તેમણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો છે. ઘરના મોભી મૃતક વિપુલભાઈ હીરા કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે લોન લઈને શેરબજારમાં રોકાણ પણ કર્યું હતું. ત્યારે ધંધામાં આવેલી મંદી અને શેરબજારમાં ગયેલી ખોટ સહન ન કરી શકતાં તેમણે પરિવાર સહિત તાપી નદીમાં કૂદી સામૂહિક આપઘાત કર્યો હતો.
મૃતકના મોટા ભાઈ ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તાપી નદીમાંથી પહેલા મારા ભાઇનાં પત્નીનો મૃતદેહ મળ્યો હતો. વધુ તપાસ કરતાં બ્રિજ પરથી બાઇક અને ચંપલ મળ્યાં હતાં, જ્યારે આજે મારા ભાઇ અને તેમના દીકરાનો મૃતદેહ મળ્યા હતા.
