(સિટી ટુડે) સુરત,તા.૧૪
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ ને પત્ર લખીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના નવા ભળેલ વિસ્તારમાં પીવાના પાણીના નેટવર્ક માટે બહાર પાડેલ ટેન્ડરમાં બે ઈજારદારો મળીને પાલિકાને લુંટવાનો પ્રયાસ કરેલ હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસ્થિત થાય છે. આ ઈજારદારોએ જે રીતે ટેન્ડરમાં ઉંચી ટકાવારી ભરી છે અને જે રીતે બંનેએ અલગ અલગ ટેન્ડરોમાં ટેન્ડર ભર્યા છે તે જાેતા બંનેએ એકબીજાની સંમતીથી કઈ રીતે પાલિકાને લુંટી શકાય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.
આ મુદ્દે મહેશ અણઘણે જણાવ્યું હતું કે, ત્રણ કામોમાં મૂળ ટેન્ડર, કોણે કોણે કેટલું ઊંચું ટેન્ડર ભર્યું કોણે કેટલો ઘટાડો કરી આપ્યો અને ૨૫ નંબરના કામમાં ખાસ કોઈ ઘટાડો ના કરેલું હોય પાલિકાને ૮૦ કરોડ નો ચૂનો ચોપડી રહ્યા હોય તેવું સાબિત થાય છે. જેથી આ કામો ને વધુ વિચારણા અર્થે ઇજારદારોને બોલાવી શક્ય હોય તો રીટેન્ડરીંગ કરાવીને નવેસરથી કામગીરી હાથ ધરવા અને આ ઇજારદારોએ જે રીંગ બનાવી હોય એ જાેતા પાલિકાને લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગે છે. મહેશ અણઘણે આવા ઇજરદારોને પાલિકાના કામોથી વંચિત કરવાની કામગીરી હાથ ધરવા ચેરમેનને ભલામણ કરી હતી.