સુરત, તા.૦૫
ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈ કાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી ૧૪ નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે ૧૪ જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડૉક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૧૨૦૦ જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે.
સુરત પોલીસે ખુલાસો કર્યો છે કે, કોઇપણ ટ્રેનિંગ કે મેડિસિનની જાણકારી આપ્યા વગર આ લોકો માત્ર ૧૦ દિવસમાં સર્ટિફિકેટ કે ડિગ્રી આપી દેતા હતા. કોઇપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના ટ્રેનિંગના નામે ૧,૨૦૦ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી સહિત ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બોગસ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. આ ૧૩ ડોક્ટરોમાં શમીમ અન્સારી નામનો તે બોગસ ડોક્ટર પણ સામેલ છે, જેના કારણે થોડા દિવસો પહેલાં એક નાનકડી બાળકીનું મૃત્યુ થયું હતું. સુરત ઝોન-૪ના ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ડૉક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું BEMS નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ ૭૦ હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા. જેમાં આ ડિગ્રીઓ રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવતી હોવાની જાણકારી મળી છે. ડીસીપીએ જણાવ્યા મુજબ, આ શખસોની ટીમ લોકોના સંપર્કમાં જઈ ૭૦,૦૦૦ રૂપિયામાં ડિગ્રી આપવાની વાત કરતી હતી અને રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ ડિગ્રી આપવામાં આવશે. જે આ મંત્રાલયના બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ હેઠળ આવે છે. તેની મુખ્ય ઓફિસર અમદાવાદમાં છે. આરોપીઓએ લોકોને કહ્યું હતું કે તે પ્રથમ તાલીમ આપશે અને ત્યાર બાદ ડિગ્રી આપવામાં આવશે. લોકોની સાથે દોઢ વર્ષની તાલીમ આપવાની વાત હતી, પરંતુ તે માત્ર દેખાવ હતો. તેમની પાસે કોઈપણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું તાલીમ આપવા માટે. તેઓ વિવિધ લોકો પાસેથી રૂપિયા ૬૦ હજાર, ૭૦ હજાર કે ૮૦ હજાર લઈને આ ડિગ્રી આપતા હતા.