નવી દિલ્હી, તા.૨૭
ચૂંટણી પંચે રજિસ્ટર્ડ નિષ્ક્રિય ૩૪૫ રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જાેશીની અધ્યક્ષતા હેઠળ માન્યતા વિનાના રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ એવા પક્ષો છે, જેમણે ૨૦૧૯થી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લીધો નથી અને જેમના કાર્યાલયો સમગ્ર દેશમાં ક્યાંય ભૌતિક રીતે જાેવા મળ્યા નથી.
ચૂંટણી પંચે ગઈકાલે (ગુરુવારે) જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૩૪૫ પક્ષ મળી આવ્યા છે. જેમનું રજિસ્ટ્રેશન તો થયેલું છે. પરંતુ સક્રિયપણે રાજકારણમાં કોઈ ભૂમિકા ભજવી રહ્યા નથી. હાલમાં રજિસ્ટર્ડ ૨૮૦૦થી વધુ પક્ષોએ માન્યતા ગુમાવી છે. તેમણે આવશ્યક શરતોનું અનુસરણ કર્યું નથી. આવા પક્ષો વિરૂદ્ધ અભિયાન ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા ગેરમાન્ય પક્ષોની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમાં અત્યારસુધી ૩૪૫ પક્ષને ઓળખી કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી પંચ કમિશ્નરે આ પક્ષોને શૉ કૉઝ નોટિસ પણ પાઠવી છે.
દેશમાં રાષ્ટ્રીય/રાજ્ય/ગેરમાન્ય રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૯છ હેઠળ કરવામાં આવે છે. આ જાેગવાઈ હેઠળ નોંધણી થયા પછી, રાજકીય પક્ષને કરમુક્તિ સહિત ઘણી અન્ય સુવિધાઓ મળે છે. કમિશનના જણાવ્યા અનુસાર, રાજકીય વ્યવસ્થાને પારદર્શક અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
