સુરત, તા.૧૩
સુરતમાં ૧૧ વર્ષીય બાળકને મદ્રેસા ભણાવનાર મૌલવીએ સોટીથી માર માર્યો હતો. જ્યારે આ મામલે ચૂપ રહેવા માટે તેના પિતાને બીજા મૌલવીએ ધમકી પણ આપી હતી. લિંબાયતના મદ્રેસાએ ઈશાઅતુલ અને હાસિમ મસ્જિદના મૌલવી અને તેના ભાઇ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.
લિંબાયતના મદ્રેસા-એ ઈ શાઅતુલમાં ધર્મની શિક્ષા લેવા જતા ૧૧ વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી માર માર્યો હતો. મૌલવી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નહિ કરવા માટે વોટ્સએપ ઉપર અન્ય મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસનોટ મેસેજ તેમજ રૂબરૂમાં મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બંને મૌલવી સહિત ૩ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ત્રણે આરોપીઓની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. લિંબાયત વિસ્તારમાં રહેતા ૧૧ વર્ષીય બાળક ઉધના યાર્ડમાં આવેલી મદ્રેસા-એ ઇશાઅતુલ ઇસ્લામ-મસ્જિદે રહેમાનીમાં ૬ મહિનાથી ધર્મનું શિક્ષણ મેળવે છે.
લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ૪ ઓગસ્ટની રવિવારે મૌલવી સોયેબ ભરૂચીએ કોઇ વાતે ગુસ્સે થઇ તમાચા અને પીઠ ઉપર સોટીઓ ફટકારી હતી. ઘરે આક્રંદ કરતાં આવેલા પુત્રને લઈ તે મદ્રેસાના ટ્રસ્ટીઓને મળ્યો હતો અને મૌલવીની ફરિયાદ કરી હતી. જાેકે તેનું પરિણામ ઊલટું આવ્યું હતું. મદ્રેસા સાથે સંકળાયેલા લોકોની બદનામી થશે તેમ જણાવી ફરિયાદ કરતાં રોકવાની કોશિશ કરવામાં આવી હતી.
આ બાળકના પિતા ફરિયાદ કરવા મક્કમ હોઈ લિંબાયતમાં જ આવેલી હાશ્મી મસ્જિદના મૌલાના અબ્દુલ વાહિદ ૬ ઓગસ્ટે ઘરે આવ્યા હતા અને ફરિયાદ નહિ કરવા માટે ધમકાવ્યો હતો. ૭ ઓગસ્ટના રોજ વોટ્સએપ ઉપર વોઇસનોટ મૂકી ફરી ધમકી આપવામાં આવી હતી. બે દિવસ બાદ ૯ ઓગસ્ટ રાત્રે દસ વાગ્યે અબ્દુલ વાહિદનો ભાઇ સાજીદ રૂબરૂમાં આવી જ્યાં મળશે. ત્યાં આવી મારી નાખવાની ધમકી ઉચ્ચારી જતાં યુવક લિંબાયત પોલીસ મથકના શરણે પહોંચ્યો હતો.
તે પહેલાં પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી ચૂક્યો હતો. મામલો ગંભીર બનતો જતો હોઈ લિંબાયત પોલીસે આ પ્રકરણમાં અસ્લમ શેખની ફરિયાદને આધારે મદ્રેસા-એ ઈ શાઅતુલના મૌલાના સૌયેબ, હાસ્મી મદ્રેસાના મૌલવી અબ્દુલ વાહિદ અને તેના ભાઈ સાજીદ વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણે આરોપીઓની ધરપકડ કરી હતી.