(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૪
થોડા દિવસો પહેલાં પણ ગુજરાત ભાજપના બિનહરિફ ચૂંટાયેલા સંસદ મુકેશ દલાલે બળાપો ઠાલવ્યો હતો કે તેમને સુરતમાં સાંસદની ઓફિસ મળી રહી નથી. એમને કલેક્ટરને રજૂઆત સુધી પણ કરી હતી. આમ સામાન્ય લોકો જ નહીં નેતાઓ પણ ઘર માટે લાઈન લગાવીને બેઠા છે. લોકસભાની ચૂંટણી પછી ત્રીજી વખત સત્તારૂઢ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અને પાર્લામેન્ટમાં નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,રૂપાણી સરકાર સમયના કેટલાક નેતાઓએ ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટસ ખાલી કર્યા નથી. ગુજરાતના ગાધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટર્સની હાલત છે તેવી જ હાલત અત્યારે સંસદસભ્યો માટેના દિલ્હીના ક્વાર્ટર્સની જાેવા મળી રહી છે.
નવા ચૂંટાયેલા સાંસદોના સરકારી આવાસોનું હજી કોઇ ઠેકાણું પડ્યું નથી. ઘણાં પૂર્વ સંસદસભ્યોએ હજી સરકારી આવાસ ખાલી કર્યા નથી. તેથી વર્તમાન પાર્લામેન્ટમાં ગુજરાતના સંસદસભ્યોને સરકારી આવાસ મળી શક્યા નથી. હાલ તમામ નવા સાંસદોએ ગરવી ગુજરાત ભવનને પોતાનુ નિવાસ બનાવવું પડ્યું છે. ગુજરાતના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલને પણ હજી સુધી સરકારી બંગલો મળી શક્યો નથી. તો બાપડા સાંસદોનો ગજ કયાંથી વાગે.
સૂત્રો ના મતે,પાટીલના બંગ્લામાં હાલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે એટલે તેઓ ગુજરાત ભવનમાં રહી રહ્યાં છે. ગુજરાતના કેટલાક સાંસદોને થોડા દિવસો પહેલાં સરકારી ક્વાર્ટર ફાળવાયા છે. જાેકે, બીજા સાંસદોને આવાસ મળવામાં હજુ વાર લાગશે. જેથી તેઓએ ગરવી ગુજરાત ભવનને જ નિવાસ બનાવીને રહેવું પડશે.
સરકારના નિયમ મુજબ હારી ગયેલા સંસદસભ્ય છ મહિના સુધી સરકારી આવાસ રાખી શકે છે. આ નિયમના કારણે ઘણાં સાંસદો નિવાસ સ્થાન માટે વેઇટીંગમાં જાેવા મળી રહ્યા છે.