(સિટી ટુડે) અમદાવાદ, તા.02
- સંવૈધાનિક અધિકારોના રક્ષણ માટે ધર્મ જાતિના ભેદભાવ વિના લડતા સેક્યુલર નેતાઓ સાથે મુસ્લિમ ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સંયુક્ત ફેડરેશન બનાવોહાલમાં દેશમાં જે પ્રકારનો માહોલ પ્રસ્થાપિત થઈ રહ્યો છે તે બાબતે અવગત કરાવવા હું આપશ્રીને વિનંતી પત્ર લખી રહ્યો છું.
ભાજપ શાસિત રાજ્યોમાં થઈ રહેલ ભડકાઉ ભાષણ, મોબલીચીંગ, બુલડોઝર અને વકફ સુધારા બીલ સહિત મુસ્લિમ વિરોધી કાનૂન અને ગૈર સંવૈધાનિક ઘટનાઓ વિરુદ્ધ સંયુક્ત રીતે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
સંવૈધાનિક અધિકારના રક્ષણ તથા રાષ્ટ્રની શાંતિ, સલામતી બાબતે બુદ્ધિજીવીઓનું દ્દઢ મંતવ્ય છે કે મુસ્લિમ સમાજના વિવિધ વર્ગોની મુખ્ય ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓએ સંયુક્ત ફેડરેશનની રચના કરી સમાન વિચારધારા ધરાવતા હિન્દુ ભાઈઓની સાથે એકજૂટ થઈ કામ કરવું જોઈએ.
આપશ્રીની સરપરસ્તિ અને માર્ગદર્શન હેઠળ (૧) જનાબ શ્રી અસદુદ્દીન ઓવેશી સાહબ (૨) એસ.ડી.પી.આઈ. (૩) જનાબ શ્રી ખાલિદ સૈફુલ્લા રહેમાની સાહબ – ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, અધ્યક્ષ (૪) જનાબ શ્રી ફૈસલ રહેમાની સાહબ – ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, સેક્રેટરી (૫) જનાબ શ્રી મોહંમદ અદીબ સાહબ – પૂર્વ રાજયસભા સાંસદ (૬) જનાબ શ્રી સરવર ચિશ્તી સાહબ – સજજાદાનશીન અમજેર દરગાહ (૭) જનાબ શ્રી તૌકીર રઝા ખાન સાહબ (૮) મૌલાના કલ્બે જવ્વાદ (૯) જનાબ શ્રી ઉસ્માન લુધિયાનવી સાહબ – પંજાબ શાહી ઈમામ સાહબ (૧૦) જનાબ શ્રી મહેમુદ મદની સાહબ – જમીયત ઉલમાએ હિન્દ (૧૧) જનાબ શ્રી મહેમુદ પ્રાચા સાહબ સહિતના અન્ય આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી તમામ અકાઈદના સન્માન સાથે સંયુક્ત ફેડરેશનની રચના કરી સર્વસંમતિ અને સૂરા પદ્ધતિથી સંચાલન કરવા નમ્ર વિનંતી અને અરજ કરુ છું.દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન
ફેડરેશનના નેજા હેઠળ ઈન્ડિયા ગઠબંધન સહિત સંવિધાનની રક્ષા તથા સામાજિક ન્યાય અને દેશમાં શાંતિ સલામતી માટે લડતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજયસિંહજી, આમ આદમી પાર્ટીના શ્રી સંજય સિંહજી, આર.જે.ડી.ના શ્રી મનોજ ઝા, સાંસદ શ્રી પપ્પુ યાદવ, સાંસદ શ્રી ચંદ્રશેખર આઝાદ, ટીએમસી સાંસદ સુશ્રી મહુઆ મોઈત્રા સાથે સંયુક્ત રીતે રણનીતિ થડવા લોકસભા તથા રાજ્યસભાના મુસ્લિમ ૪૦ સંસદસભ્યો સહિત તમામ રાજ્યોના મુસ્લિમ ધારાસભ્યોનું દિલ્હી ખાતે એક દિવસીય સંમેલનનું આયોજન કરવું જોઈએ.
રશિયા અને યુક્રેનમાં શાંતિનો સંદેશો લઈ જનાર “વસુધૈવ કુટુમ્બકમ’, સબકા સાથ સબકા વિકાસ નો ઉપદેશ આપનાર પ્રધાનમંત્રીશ્રી તેમના દેશ અને પક્ષના સંવૈધાનિક પદો પર આરૂઢ ઉત્તરપ્રદેશ, આસામ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ, મહારાષ્ટ્રના ધારાસભ્ય નિતીશ રાણે સહિત ભાજપની ભગિની કટ્ટરવાદી સંસ્થાઓ સાંપ્રદાયિક – ધાર્મિક ધ્રુવીકરણની રાજનિતી કરવા બેશરમીપૂર્વક ઝેર ઓકી નફરતી ભાષણથી દેશનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ દૂષિત કરી રહ્યા છે ત્યારે એફઆઈઆર દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવા બાબતે આશ્ચર્યજનક રીતે ભેદી મૌન ધારણ કર્યું છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં અત્યંત નિંદનીય રીતે હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) ની શાનમાં ગુસ્તાખીની શરમજનક ઘટના સામે આવી છે. આવા ભડકાઉ નિવેદનથી સમગ્ર ભારત દેશના મુસ્લિમ સમાજની આસ્થા અને લાગણીને ઊંડી ઠેસ પહોંચી છે. ધાર્મિક વ્યક્તિની સામે ૫૮ જેટલી એફઆઈઆર દાખલ થવા છતાં હજી સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
નામદાર સુપ્રિમ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરના રોજ આદેશ આપેલ કે ૧લી ઓક્ટોબર સુધી દેશમાં કોઈપણ સ્થળે બુલડોઝરની કાર્યવાહી કરવી નહી તેમ છતાં સુપ્રિમ કોર્ટના આદેશનો ધરાર અનાદર કરી ગેરસંવૈધાનિક રીતે ગીર સોમનાથ ખાતે ૮૦૦ વર્ષ જુની દરગાહ, મસ્જીદ અને કબ્રસ્તાનને તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ વહેલી સવારે શહીદ કરવામાં આવ્યા તે ખૂબ જ દુઃખદ અને વખોડવાપાત્ર ઘટના છે.
૧લી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ નામદાર સુપ્રિમ કોર્ટે દેશના નાગરિકોને પોતાના સંવિધાન પ્રત્યે ગર્વ થાય તે રીતે કહ્યું કે“ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને અહીના કાયદા તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો માટે સમાન છે’. નામદાર સુપ્રિમ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરના રોજ આદેશમાં કહ્યું હતું કે જો કોઈ ગુનેગાર છે તો તેનો ગુનો અને તેની સજા ફક્ત અદાલત જ નકકી કરી શકે છે. પરંતુ આરોપ લાગતા જ આરોપીના નિર્દોષ પરિવારજનોને દંડ આપવો, તેમના માથેથી છત્રછાયા છીનવી આરોપીના રહેઠાણોને તોડી પાડવા વિરુદ્ધ સખત ન્યાયિક ટિપ્પણીઓ કરી તે ખૂબ જ આવકારદાયક છે.
“નફરત છોડો – ભારત જોડો” ના સૂત્ર સાથે સંવિધાનની રક્ષા અને સામાજિક ન્યાયની ઈમાનદારીપૂર્વક લડાઈ લડનાર શ્રી રાહુલ ગાંધીજી, શ્રીમતી પ્રિયંકા ગાંધીજી, કોંગ્રેસ અધ્યક્ષશ્રી ખડગેજી ધર્મ-જાતિના ભેદભાવ વગર મુસ્લિમ સમાજ સહિત ગરીબ, દલિત, પછાત વર્ગના સંવૈધાનિક અધિકારો અને સામાજિક ન્યાય માટે અવાજ બુલંદ કરી જ રહ્યા છે. સાંસદશ્રી અસદુદ્દીન ઓવેસીજી મુસ્લિમ અને પછાત સમાજના સંવૈધાનિક અધિકાર અને ન્યાય માટે હંમેશા બેબાક રીતે અવાજ બુલંદ કરતા જ આવ્યા છે. તેવા સમયે કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન તથા અન્ય સેક્યુલર પક્ષોના શીર્ષ નેતૃત્વ શ્રી અખિલેશ યાદવજી, સુશ્રી મમતા બેનરજી, શ્રી શરદ પવારજી, શ્રી ઉદ્ધવ ઠાકરેજી, શ્રી એમ.કે. સ્ટાલિનજી, શ્રી હેમંત સોરેનજી, શ્રી તેજસ્વી યાદવજી અને લેફટ પાર્ટી સહિત અન્ય સેક્યુલર પાર્ટીઓના શીર્ષ નેતૃત્વએ સંયુક્ત રીતે નીચે મુજબની કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે.૧) ઈન્ડિયા ગઠબંધનના શીર્ષ નેતાઓએ દેશમાં શાંતિ – સદભાવનાનો માહોલ જળવાઈ રહે માટે એનડીએ સરકારના બિનસાંપ્રદાયિક વિચારધારામાં માનતા સાથી પક્ષોના શ્રી ચંદ્રાબાબુ નાયડુ, શ્રી નિતીશ કુમાર અને શ્રી ચિરાગ પાસવાન સહિત અન્ય સેક્યુલર વિચારધારામાં માનતા પક્ષોના નેતાઓને સરકાર રાજધર્મ નિભાવે તે બાબતે મધ્યસ્થતા કરવા વિનંતી કરવી જોઈએ.
૨) મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ને ઈન્ડિયા ગઠબંધન સહિતના સેક્યુલર પક્ષોના શીર્ષ નેતૃત્વએ આવેદનપત્ર સુપદર કરી ભડકાઉ ભાષણ, મોબલિચિંગ અને બુલડોઝરના દુરુપયોગ બાબતે સુપ્રિમ કોર્ટના આદેશ અને માર્ગદર્શિકાનો રાજય સરકારો દ્વારા ચુસ્ત અમલ થાય તે બાબતે મધ્યસ્થતા કરવા માંગ કરવી જોઈએ.
૩) મહાત્મા ગાંધીજીના સમાધિ સ્થળે એક દિવસ ઉપવાસ ઉપર બેસી સમગ્ર ઈન્ડિયા ગઠબંધનના શીર્ષ નેતૃત્વએ દેશમાં સંવૈધાનિક કાનૂનનું રાજ પ્રસ્થાપિત કરવાની માંગ કરવી જોઈએ.
૪) સંયુકત પ્રતિનિધિમંડળ દ્વારા દેશના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તેમજ ઈલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડીયા મુખ્ય સંચાલકો સાથે મુલાકાત કરી દેશમાં શાંતિ, સલામતી, ભાઈચારાને બળ મળે તેવા સમાચારને પ્રાધાન્ય આપવા વિનંતી કરવી જોઈએ.ગ્યાસુદ્દીન શેખ – પૂર્વ ધારાસભ્ય