સુરત : પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી Plant a Smile Campaign નો શુભારંભ કરવામાં આવ્યો છે. Plant a Smile એક એવી પહેલ છે જે સમાજને આનંદિત રહેવા અને સંસ્કારી વ્યક્તિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય રાખે છે. “Plant a Smile” નું લક્ષ્ય એક બીજા પ્રત્યે સ્નેહ વધે, સર્જનાત્મકતા સભર વર્કશોપ અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પર ભાર આપવામાં આવે છે.લોકો તેમની આસપાસના જીવાવરણમાં અન્ય પ્રત્યે સદભાવ વધે, જ્ઞાનની આપ લે કરે, ખુશીઓની વહેંચણી કરે અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે.
Plant a Smile – રેલી ૩ ઓક્ટોબરે અનાથઆશ્રમ વાત્સલ્યધામ થી મશાલ સાથે શરૂ થઈ 11 ઓક્ટોબર સુધીમાં વિવિધ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે. ત્યાંથી વધુ દસ દિવસ દરમિયાન લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો અંતરિયાળ વિસ્તાર સુધીમાં Plant a Smileનો સંદેશો પહોંચાડશે. આ મશાલ રેલી દરમિયાન વાત્સલ્યધામના બાળકો એક સંસ્થા પર જશે અને ત્યાંના બાળકો સાથે મળી પાંચ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ આ સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે આગળની સંસ્થામાં જશે અને તે સંસ્થાના બાળકો સાથે વૃક્ષારોપણ કરશે. ત્યાંથી પહેલાની સંસ્થાના બાળકો પાછા ફરશે અને નવી સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે મળી તેની આગળની સંસ્થા સુધી મશાલ રેલી મારફતે આગળ વધશે. આ રીતે ૧૦ દિવસ દરમિયાન ૧૦૦ જેટલી શાળાઓ પર Plant a Smile મશાલ રેલી પર્યાવરણના જતનનો સંદેશો ફેલાવશે.
આ રેલી દ્વારા પર્યાવરણ જતન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ પણ ફેલાશે. વાત્સલ્યધામના બાળકો સમાજની મુખ્ય ધારાના બાળકોને મળશે અને તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરશે જેથી સમાજમાં અમીરી ગરીબી વચ્ચેની ખાઈનું અંતર ઘટશે, આ રેલી દરમિયાન વિવિધ શાળાઓના ૫૦૦ કરતાં વધારે બાળકો રેલીનો હિસ્સો બનશે. સમાજમાં ખુશીઓ એકબીજા સાથે વહેંચવા તથા ખુશીઓમાં વધારો કરવા આ રેલી મધ્યસ્થીની ભૂમિકા અદા કરશે. સુનીતાઝ મેકર્સ સ્પેસના ફાઉન્ડર કુ.કિંજલ ચુનીભાઇ ગજેરાના વિઝન મુજબ આ વિશ્વને જીવવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવું હશે તો દરેક વ્યક્તિએ પોતાની ખુશી બીજાને વહેંચી અને ખુશીઓની એક લહેર ઊભી કરવી પડશે. તેમના મત અનુસાર આજે આ રેલી દ્વારા ખુશીઓનું બીજ કે નાનો છોડ વાવ્યો છે તે સમય જતા વટવૃક્ષ બનશે અને સમાજમાં ખુશી અને આનંદ સાથે મજબૂત રીતે આગળ વધશે. “ONE HAPPINESS” એ જ વિશ્વને નક્કર રીતે આગળ વધવાનો માર્ગ છે અને તે માટે “Plant a Smile” રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.