સુરત, તા ૧૬
સુરત એસઓજીએ શહેરમાંથી રૂપિયા ૧૦૦ કરોડથી વધુનુ હવાલા કૌંભાડ ઝડપી પાડ્યું છે. સુરત શહેર એસઓજી એ હાથ ધરેલ તપાસમાં, સમગ્ર કૌંભાડ દુબઇ ખાતેથી ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. મૂળ અમદાવાદનો પરંતુ દુબઈ સ્થિત મહેશ દેસાઈ નામનો વ્યક્તિ આ કૌંભાડ ચલાવતો હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન દેશો મારફતે રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. બે વર્ષમાં બેક ખાતામાંથી ૧૦૦ કરોડનું ટ્રાન્જેક્શન મળી આવ્યું. સુરત શહેર એસઓજીએ કરેલ તપાસમાં, ૮ સેવિંગ પાસ બુક, ૨૯ ચેક બુક, ૨ કરન્ટ એકાઉન્ટ પાસબુક, ૩૮ ડેબિટ કાર્ડ, ૪૯૭ સિમ કાર્ડ, ૭ મોબાઈલ અને ૧૬ લાખ રોકડ મળી આવ્યા છે. સુરતમાં હવાલા કૌંભાડનો મુખ્ય સૂત્રધાર મકબુલ ડોકટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુબઈથી મહેશ સુરત ખાતે આંગડિયા મારફત રૂપિયા મોકલતો હતો. તે રૂપિયા માંથી યુએસડીટી ખરીદી અલગ અલગ દેશમાં મોકલાતા હતા. આખું રેકેટ બે રીતે ચાલતું હતું. જેમાં રોકડ રકમ દુબઈથી આવે તે આ યુએસડીટી ખરીદતા હતા અને અહીંયા જેને જરૂર હોય તેની પાસેથી રોકડ રકમ લઈને યુએસડીટી આપતા હતા.
ચોકબજાર, જાપાબજાર અને મુગલીસરા વિસ્તારમાં ચાલતા હવાલા કાંડનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. લોકોને લોભ લાલચ આપી તેમના નાણાં યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલતા હોવાની વિગતો પણ સામે આવી છે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન જેવા દેશો સુધી આ કનેકશન જતું હોવાની વિગતો સૂત્રો જણાવી રહ્યા છે. હાલ સુરત એસઓજી પોલીસ કોભાંડની તપાસ કરી રહી છે.
અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાંથી સુરત એસઓજીએ મોટો હવાલાકાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનએ પોતે ફરિયાદી બની આરોપી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશીફ મકબુલ ડોક્ટર, માઝ નાડા, બસ્સામ મકબુલ ડોક્ટર, મુર્તુજા ફારુક શેખ અને અમદાવાદના મહેશ મફતલાલ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. મહેશ સિવાયના આરોપીઓ ચોક બજાર,ઝાપાબજાર અને મુગલીસરા વિસ્તારના રહેવાસી છે. વોન્ટેડ આરોપી મૂર્તુજા ફારુક શેખ મારફતે અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમજ બોગસ કંપનીઓ ઊભી કરી આ બોગસ કંપનીના દસ્તાવેજ સાચા તરીકે બેંકમાં રજૂ કરી લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ કાવતરામાં મળેલા નાણા એકાઉન્ટમાં જમા કરાવી તે નાણાં યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલી આપતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતુ. હાલ પોલીસે મકબુલ, કાશીફ અને માઝની ધરપકડ કરી છે.
સુરત શહેર એસઓજીએ કરેલ તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, હવાલા કૌંભાડમાં ૨૮ જેટલા એકાઉન્ટનો સાયબર ફ્રોડ માટે ઉપયોગ થયો છે. સુરતની ૮ આંગડિયા પેઢીના નામો પણ સામે આવ્યા છે. આંગડિયા પેઢીમાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આંગડિયા પેઢીની કેવી રીતે અને કેટલી સંડોવણી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીઓની મદદથી દુબઇમાં બેઠેલા મહેશ દેસાઈને સુરત લાવવા પ્રયાસ કરાશે. આટલા મોટા પ્રમાણમાં જે સિમ કાર્ડ મળ્યા તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.