નવી દિલ્હી, તા.૧૭
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હુમલાખોરોને પકડવા માટે પોલીસ તાબડતોડ દરોડા પાડી રહી છે. આ શ્રેણીમાં દિલ્હી પોલીસે ગુરુવાર (૧૭ ઓક્ટોબર ૨૦૨૪)ની સવારે લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગના આંતરરાજ્યીય શાર્પ શૂટરને અથડામણમાં ધરપકડ કરી.
પોલીસની પકડમાં આવેલો આ શાર્પ શૂટર યોગેશ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં જિમ માલિક નાદિર શાહની હત્યામાં મુખ્ય શૂટર હતો. પોલીસની કાર્યવાહીમાં પગમાં ગોળી લાગવાથી શાર્પ શૂટર ઘાયલ થયો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી નંબર વગરની બાઈક, એક પિસ્તોલ અને કેટલાક કારતૂસ જપ્ત કર્યા. આરોપીની ઓળખ ઉત્તર પ્રદેશના બદાયું નિવાસી યોગેશ કુમાર ઉર્ફે રાજુ તરીકે થઈ છે. આ પહેલા હરિયાણા અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શૂટર સુખવીર ઉર્ફે સૂખા પાણીપતના સેક્ટર ૨૯ થાણા એરિયામાંથી પકડાયો હતો. તે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના કેસમાં આરોપી છે.
લોરેન્સ ગેંગના જે શૂટર સુખબીર ઉર્ફે સુખ્ખાને નવી મુંબઈ પોલીસ અને પાણીપત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પકડ્યો છે તેની ધરપકડની કહાની ખૂબ રસપ્રદ છે.
નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસની રેકી મામલાની તપાસ કરી રહી હતી. લોરેન્સના ગુર્ગાઓએ સલમાન ખાનને મારવાના ઇરાદે તેમના પનવેલ ફાર્મહાઉસની રેકી કરી હતી. તે સમયે પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી હતી. સુખબીર ઉર્ફે સુખ્ખા આ કેસમાં ફરાર ચાલી રહ્યો હતો, તેને સલમાન ખાનને શૂટ કરવાનું કામ મળ્યું હતું.
પનવેલ સિટી પોલીસ સતત તેની શોધ કરી રહી હતી. બુધવારે (૧૬ ઓક્ટોબર ૨૦૨૪) તેની શોધમાં પોલીસની ટીમ પાણીપત પહોંચી હતી. પનવેલ સિટી પોલીસ પાસે સુખ્ખાની લાઈવ લોકેશન હતી તે પાણીપતની એક હોટલમાં રોકાયો હતો. પોલીસ ટીમના ઘણા લોકોએ તે હોટલમાં રૂમ બુક કર્યા. ત્યારબાદ પાણીપત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. પાણીપત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. જે રૂમમાં સુખ્ખા હાજર હતો તે રૂમનો દરવાજાે ખોલાવવામાં આવ્યો.
શરૂઆતમાં તો લોરેન્સના શૂટર સુખ્ખાને જાેઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તેના વાળ અને દાઢી વધેલા હતા. તેનો દેખાવ બિલકુલ મેચ થતો ન હતો, પરંતુ પૂછપરછ બાદ કન્ફર્મ થયું કે આ લોરેન્સનો શૂટર સુખ્ખા જ છે. પછી તેની ધરપકડ કરવામાં આવી.