સુરત, તા.૧૭
સુરતના ડિંડોલીમાં પ્રયોશા બ્લિચ નામના બિલ્ડિંગના ફ્લેટ નંબર-૧૦૧માં પતિ રતનભાઈ નિમજે(ઉં.વ.૫૩) ઘરમાં જ પત્ની નંદાબેન નિમજે(ઉં.વ.૪૮)ને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી. બાદમાં પોતે પણ પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
આ ઘટના અંગે જાણ કરવામાં આવ્યા બાદ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દરવાજાે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા એક ખૂણામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. જ્યારે પતિ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતો. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ડિંડોલી પીઆઇ આર.જે. ચૂડાસમાએ કહ્યું હતું કે બપોર આસપાસનો આ બનાવ છે. રતનભાઈએ તેની પત્નીને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા બાદ પોતે લટકી ગયા હતા. તેમને બે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જે બહાર છે. રતનભાઈ ઘરે જ રહેતા હતા. બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે.
આજે નિમજે દંપતીના દીકરાએ તેમનાં માતા ફોન ન ઉઠાવતાં હોવા અંગે પાડોશીને જાણ કરી હતી, જેથી પાડોશી દ્વારા દરવાજાે ખખડાવવા છતાં પણ દંપતીએ દરવાજાે ખોલ્યો નહોતો, જેથી એક અન્ય વ્યક્તિએ બાજુના ઘરમાંથી નજર કરતાં હેબતાઈ ગયો હતો.
નિમજે પરિવારના ઘરને અંદરથી જાેનાર સોનુભાઈએ જણાવ્યું હતું કે મને એ બિલ્ડિંગમાં રહેતા એક કાકા દ્વારા જાણ કરવામાં આવી હતી, જેથી બાજુના ઘરમાંથી જાેતાં મહિલા એક ખૂણામાં હાથની નસ કપાયેલી હાલતમાં અને અન્ય એક જગ્યાએ ચપ્પુના ઘા હોય એ રીતે પડી હતી. જ્યારે તેનો પતિ પંખા સાથે લટકી રહ્યો હતો. આ જાેતાંની સાથે જ પાડોશીઓ હેબતાઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસને ૧૦૦ નંબર પર કોલ કરવામાં આવ્યો હતો અને ૧૦૮ને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ આવ્યા બાદ દરવાજાે તોડીને અંદર ગયા હતા. હાલ ડિંડોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.