વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરા પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે
સુરત,તા.૧૪
ગુજરાત વિકાસના બણગા ફૂંકતી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ નથી કરી શકતી. ૧૯૯૦થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે, પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરા પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ ઝોનામાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણાં પરિવારો ઝોન છોડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ આરોપ કોઈ વિપક્ષી પાર્ટી નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્યે કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માગ કરી છે, તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યે કબૂલાત કરી છે કે, ભાજપ પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી છે.
સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી ૯ મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા માટે સીસી રોડ બનાવવાની માગ કરી છે. આ માંગણી સાથે તેઓએ પત્રમાં કહ્યું કે, આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં ૯ મીટર કે તેથી વધુ પહોળાઈવાળા તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવાની જાેગવાઈ કરવામાં આવે.
સેન્ટ્રલ ઝોનની ગલી-રસ્તાઓ તૂટી જાય, ખાડા પડી જાય, વારંવાર રીપેર કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા લાગે છે. મકાનના આંગણા નીચા થતાં જાય છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને જાહેર નાણાંનો વ્યય થાય છે. જેનો ઉકેલ સીસી રોડ બનાવીને થઈ શકે છે.
ધારાસભ્યે મેયરને લખેલા પત્રમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬થી સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધા ડ્રેનેજ-પાણીની લાઇન બદલવાનું કામ ચાલે છે. લોકો હેરાન-પરેશાન થાય છે, તેમ છતાં સુવિધા મળવાની આશાએ સહન કરી રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસતી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ નથી થતી. વિકાસના કોઈ મોટા કામ થતાં નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાં શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પાલિકાથી માંડી રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં સેન્ટ્રલ ઝોનમાં સુવિધા ન મળતાં ધારાસભ્યે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ધારાસભ્યે કબૂલ્યું કે, સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ અને ખાડાવાળા રસ્તાના કારણે ઘણાં પરિવારો ઝોન છોડી અન્યા ઝોનમાં હીજરત કરી રહ્યાં છે. જેથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. જે વિશે ભાજપે આત્મમંથન કરવું જાેઈએ.