(સિટી ટુડે) સુરત,તા.૧૦
ઓનલાઈન શોપિંગ કરનાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવકે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, જેવું જ યુવક બોક્સ ખોલે છે તો મોબાઈલની બદલે એવી વસ્તુ નીકળે છે, જેને જાેતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતાં તે ચોંકી ગયો હતો. બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી પરંતુ, કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રહેતાં રાહુલ થરોડિયા નામના યુવકે ૩૧ ડિસેમ્બરે એમેઝોન પરથી પોકો કંપનીનો ફોન ઓર્ડર કર્યો હતો, ત્યારબાદ ૩ જાન્યુઆરીએ કુરિયર દ્વારા મોબાઈલનું બોક્સ મળ્યું હતું. જાેકે, યુવકે પોતાની ઉપયોગ કરી બોક્સ ખોલતા સમયે વીડિયો પણ ઉતાર્યો હતો. જાેકે, બોક્સ ખોલતાની સાથે જ તેને બોક્સમાં મોબાઈલની બદલે ખૂબ જ હલકી ગુણવત્તાની સ્પ્રેની બોટલ અને ઘડિયાળ મળે છે. બાદમાં યુવકે કંપનીને ફરિયાદ કરી હતી પરંતુ, યુવકને મોબાઈલ ફોન પરત નથી મળ્યો. બાદમાં તેણે ટેક્નિકલ ટીમનો સંપર્ક કર્યો ત્યાં પણ તેને યોગ્ય જવાબ ન મળ્યો. છેલ્લે તેણે કુરિયર આપવા આવેલા વ્યક્તિનો સંપર્ક કર્યો તો ત્યાં પણ તેને યોગ્ય જવાબ ન મળતાં પોતે છેતરાયા હોવાની જાણ થઈ.
એમેઝોનના ટેક્નિકલ સપોર્ટ દ્વારા તેને મદદ કરવાની ઈનકાર કરતાં યુવક બાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં યુવકે પોતાની સાથે ઘટેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી પોતે ઉતારેલા વીડિયોને પુરાવા તરીકે આપ્યો હતો. પોલીસે સમગ્ર બાબતે યુવક પાસેથી તમામ માહિતી મેળવી છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.