જાેધપુર, તા.૯
ચૂંટણી પરિણામોને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાની પસંદગીની પાર્ટીની જીત પર ફટાકડા ફોડી કે મીઠાઈઓ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરતા ઘણીવાર જાેવા મળે છે. પરંતુ શું તમે કોઈ પાર્ટીની હાર પર ગધેડાને મોજ પડી ગઈ હોય એવું જાેયું છે? નહીં ને? ચાલો અમે તમને જણાવીએ કે, કેવી રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પછી જાેધપુરમાં ગધેડાની બલ્લે બલ્લે થઈ ગઈ. અહીં એક શખ્સે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હારથી ખુશ થઈને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં.
આમ તો ગધેડાના જીવનમાં ઢસરડા કર્યા સિવાય કંઈ હોતું નથી, પરંતુ ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ની કહેવત જાેધપુરમાં શનિવારે સાચી થતી જાેવા મળી. બીજી બાજુ ગધેડાને લઈને રાજસ્થાનમાં વધુ એક કહેવત છે કે, ગધેડાઓની કિસ્મતમાં ‘ગુલામી’ લખી હોય છે, ગુલાબજાંબુ નહીં. પરંતુ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામોએ એ કહેવતને ખોટી સાબિત કરી બતાવી છે.
આમ આદમી પાર્ટી અને કેજરીવાલની દિલ્હી વિધાનસભામાં થયેલી આકરી હાર પછી જાેધપુરમાં ગધેડાઓને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યાં. ઘાસની જગ્યાએ ગુલાબજાંબુ જાેઈને ગધેડા પણ ચકરી ખાઈ ગયા. ગધેડાઓને ગુલાબજાંબુ ખાતા જાેઈને લોકો પણ નવાઈમાં પડી ગયા. હકીકતમાં જાેધપુર નિવાસી મોહનદાસ વૈષ્ણવે આ અનોખો સંકલ્પ કર્યો હતો કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જાે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હાર થાય તો તે ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવશે.
શનિવારે આવેલા ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલને હાર થઈ અને પોતાના આ અનોખા સંકલ્પને પણ પૂર્ણ કર્યો. મોહનદાસ વૈષ્ણવનું કહેવું છે કે, ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી. વૈષ્ણવનો આરોપ છે કે, અરવિંદ કેજરીવાલે પોતાના ગુરુને પણ દગો આપ્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હારનો સંકલ્પ પૂર્ણ થવા પર તેણે ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવ્યાં છે. વૈષ્ણવે અરવિંદ કેજરીવાલ પર પણ ઘણાં પ્રકારના આરોપ લગાવ્યાં છે.
