(સિટી ટુડે) સુરત,તા.૦૬
૧૯૯૩માં બાબરી મસ્જિદ ધ્વંસ પછી સુરતમાં ફાટી નીકળેલા તોફાનો દરમિયાન સલાબતપુરા વિસ્તારમાંથી વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ૧૨ આરોપીઓ સામે કેસ દાખલ થયો, જેમાં ૩૨ વર્ષ સુધી કોર્ટમાં ચર્ચા ચાલ્યા બાદ આખરે ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા.
૧૯૯૩માં, બાબરી મસ્જિદ ધ્વંસ બાદ ગુજરાતમાં તોફાનો ભભૂકી ઉઠ્યા હતા. તે સમયમાં વડોદરાના પાનીગેટ પોલીસ મથકે ગુલામ કાદર અબ્દુલ મન્સુર સામે ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન સુરતના સલાબતપુરા અને મોમનાવાડ વિસ્તારમાં રહેતા મહંમદઅલી વખારિયા સામે આરોપ મૂકાયો કે, તેણે જીલેટિન સ્ટિક, ડેટોનેટર અને ફ્યૂઝ વાયરના સાત સેટ આપ્યા હતા. આ ઘટનાને પગલે ૧૨ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો પરંતુ, કેસ ચાલી રહ્યો હતો, તે દરમિયાન ૪ આરોપીઓનું અવસાન થયું અને ટ્રાયલ માત્ર ૮ લોકો સામે ચાલુ રહી.
આ કેસમાં પોલીસને ગંભીર ધક્કો ત્યારે લાગ્યો જ્યારે કોર્ટે જણાવ્યું કે, તપાસ દરમિયાન પોલીસ આરોપીઓની કોઈ સીધી સંડોવણી સાબિત કરી શકી નહીં. આરોપીઓએ આ વિસ્ફોટકો ક્યાંથી મેળવ્યા? તેઓનો ઉદ્દેશ્ય શું હતો? વિસ્ફોટકોનો વપરાશ ક્યાં અને કેવી રીતે થવાનો હતો? આવા કોઈ પણ મહત્વના પ્રશ્નોના સ્પષ્ટ પુરાવા પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરી શકી નહીં.અત્યંત ગંભીર બાબત એ હતી કે, તપાસ અધિકારીઓએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો કોઈ પુરાવો જ લાવ્યો નહોતો. વિસ્ફોટકો કયા સ્તરે ખતરનાક હતા? કોના દ્વારા અને ક્યારે તે મેળવી રાખવામાં આવ્યા? એના સંબંધિત કોઈ સાયન્ટિફિક એનાલિસિસ કોર્ટમાં રજૂ કરવામાં આવી નહોતી.
આ કેસમાં અરોપી મહંમદઅલી વખારિયા, હસન મુસાજી, મહંમદ દોસ્તમત, રમઝાન ચંચલ, ગુલામ મન્સુરી, હનિફ શેખ, અબ્દુલ શેખ સામે ચાલતા ટ્રાયલમાં સીનીયર વકીલ ગૌતમ દેસાઈ, મુખત્યાર શેખ અને ઝફર બેલાવાલા દ્વારા બચાવમાં દલીલો કરવામાં આવી.કોર્ટમાં એ બાબત પણ પ્રકાશમાં આવી કે, આરોપીઓને માત્ર શંકાના આધારે આરોપી બનાવવામાં આવ્યા હતા અને કાયદેસર પુરાવાઓના અભાવે આખરે ૩૨ વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
