નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જાડા કહીને ટીકા કર્યા બાદ, તેમણે હવે ગણિતના મૂળને લઈને એક નવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શમા મોહમ્મદે દાવો કર્યો છે કે ગણિતની શોધ ઇસ્લામ દ્વારા વિશ્વમાં થઈ હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ શમા મોહમ્મદના આ નિવેદન પર કટાક્ષ કરતાં Âટ્વટ કર્યું હતું કે, “મને લાગે છે કે તેમણે નક્કી કરી લીધું છે કે રાહુલ ગાંધી એકલા જ કોંગ્રેસમાં મૂર્ખામીભર્યા નિવેદનો નહીં આપે.” માલવિયાના આ ટોણાનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
પૂનાવાલાએ Âટ્વટમાં લખ્યું હતું કે, “કટ્ટરપંથીઓએ મોહમ્મદ શમીને નિશાન બનાવ્યો જ્યારે તેણે દેશને ગૌરવ અપાવ્યું? રોહિત શર્માને તેના વજન માટે ટ્રોલ કરવામાં આવ્યો. આ જ લોકો હિન્દુ આતંકવાદ જેવા શબ્દો વાપરીને શાંતિપ્રિય હિન્દુ સમુદાયને નિશાન બનાવે છે, પરંતુ ઇસ્લામિક કટ્ટરપંથીઓ પર એક શબ્દ પણ બોલતા નથી, કારણ કે તેમના માટે વોટબેંક જ સર્વોપરી છે.”
શમા મોહમ્મદે મોહમ્મદ શમીનો બચાવ કરતાં અગાઉ કહ્યું હતું કે ઇસ્લામમાં રમત રમતી વખતે ઉપવાસ રાખવાનું ફરજિયાત નથી. તેમણે જણાવ્યું હતું કે રમઝાનમાં મુસાફરી દરમિયાન ઉપવાસ ન રાખવાની છૂટ છે અને મોહમ્મદ શમી ઘરે નથી પરંતુ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે મુસાફરી કરી રહ્યો છે. તેમણે ઇસ્લામને વૈજ્ઞાનિક ધર્મ પણ ગણાવ્યો હતો.
પરંતુ શમા મોહમ્મદ ત્યારે વધુ વિવાદમાં આવ્યા જ્યારે તેમણે રોહિત શર્માને જાડા કહ્યા અને તેમને વજન ઘટાડવાની સલાહ આપી. સોશિયલ મીડિયા પર તેમની આ ટિપ્પણી બદલ તેમની ખૂબ ટીકા થઈ હતી અને કોંગ્રેસે પણ તેમના નિવેદનથી અંતર રાખ્યું હતું અને તેમને પોસ્ટ ડિલીટ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ શમા મોહમ્મદે તેમની પોસ્ટ હટાવી દીધી હતી.
