સુરત, તા.૦૬
ગુજરાત ભાજપે આજે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, આજે પ્રદેશમાં નવા પ્રમુખોની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં ભવ્ય જીત થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ ૬૬ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. પરેશ પટેલ નવા શહેર પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. પરેશ પટેલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પરેશ પટેલ ભૂતકાળમાં ચેમ્બર પ્રમુખ રહી ચૂક્યા છે. પરેશ પટેલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રહ્યા છે. પહેલાંથી જ ભાજપના સુરત શહેરના પ્રમુખ તરીકે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. સી.આર. પાટીલના ખાસ હોવાને કારણે જો વર્તમાન શહેર પ્રમુખ રીપીટ ન થાય તો પરેશ પટેલને જ પ્રમુખ બનાવવામાં આવશે તે પ્રકારની અટકળો તેજ થઈ હતી. શહેર પ્રમુખ બનવા માટે ફરી એક વખત સી. આર. પાટિલના આશીર્વાદ ફળી ગયા છે. શહેર સંગઠન ઉપર સી.આર. પાટીલની પકડ યથાવત રહેશે.
ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, મારામાં વિશ્વાસ રાખીને પ્રદેશ સંગઠને મને જે જવાબદારી આપી છે તે બદલ હું તેમનો આભારી છું. સુરત શહેરમાં કાર્યકર્તાઓની જે મહેનત છે તેના કારણે આજે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આજે કોંગ્રેસની એકપણ બેઠક કોર્પોરેશનમાં નથી. પૂર્વ પ્રમુખ નિરંજન ભાઈ ઝાંઝમેરાય તેમને કરેલી કડક ઉઘરાણી માટે મિચ્છામી દુક્કડમ કરીને માફી માંગી છે, પરંતુ હું એડવાન્સમાં જ બધા જ કાર્યકર્તાઓને મિચ્છામી દુક્કડમ કહી દેવા માગું છું. કારણ કે કડક તો રહેવું જ પડશે અને પરિણામ તો જોઈશે જ. પરિણામ ત્યારે જ મળશે જ્યારે આપણે સૌ સંગઠિત રહેશો અને પક્ષ સંગઠિત રહેશે તો સુરત શહેરમાં દેશમાં ભાજપ મજબૂત બનશે.
