દારૂની બદીને કારણે અનેક પરિવારો બરબાદ થતાં મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેડઃ પોલીસને સોપી દેવાયા
(સિટી ટુડે) સુરત
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી હતી જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં 7 દિવસમાં સુરતને ડ્રાઈ બનાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યાં હતા. કમિશનરને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો હતો જેને પગલે હાંફળી થઈને દોડતી થયેલી પોલીસે સ્થળ પર જઈને દારૂનો જથ્થો કબજે લીધો હતો. જોકે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે કે નહિ તેનો ફોડ પાડવામાં આવ્યો નથી.. આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સારોલી પોલીસ સ્ટેશનની હદમાં દારૂની રેલમછેલ
ભરત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અંગ્રેજી-દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે સારોલી પોલીસ સ્ટેશન ફિક્સમાં મુકાઈ ગયું છે. પાટીદાર અને રાજસ્થાની તેમજ સ્થાનિક સુરતીઓથી છલકાતા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલાઓ તેમજ સજ્જનોને ત્યાંથી પસાર થવામાં ખુબ મુશ્કેલીઓ પડતી હતી. આ અડ્ડા પરથી અંદાજિત 1000થી વધુ દારૂની બોટલ મળી આવી હતી જ્યારે દેશી દારૂના મોટી સંખ્યામાં પીપડા પણ મળી આવ્યા હતા. આ રેડમાં કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો સહિત જનતા જોડાઈ હતી.
દારૂડિયાઓમાં નાસભાગ
પોલીસની અનુપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરપ્રાઈઝ જનતા રેડ કરવામાં આવતા દારૂના અડ્ડા પર નાસભાગ મચી ગઈ હતી. ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછા 200 જેટલાં દારૂડિયાઓ પોત-પોતાના વાહનો છોડીને ભાગી છુટ્યા હતા.
પીઆઈ અને આખા ડી’સ્ટાફ ડિસમીસ કરવા માગ
સારોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા અડ્ડા પર જનતા રેડ પછી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ સારોલી પીઆઈ તેમજ ડી’સ્ટાફને ડિસમીસ કરવા માગ કરી છે.








