સુરત,તા.૧૯
સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારા ૧૦૦ કરોડના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા ગુના બાદ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહેલી ઇડીએ આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા ડૉ. મકબુલ અબ્દુલ રહેમાન અને તેના પરિવારની ‘આર્થિક નસ‘ દબાવી દીધી છે. ઇડીએ મોટી કાર્યવાહી કરતા ડૉ. મકબુલ, તેમની પત્ની અને પુત્રના નામે રહેલી કુલ રૂપિયા ૨,૧૩,૩૭,૦૦૦ ની ત્રણ સંપત્તિઓ ટાંચમાં લીધી છે.
ઇડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, સાયબર ફ્રોડના કાળા નાણાંનો ઉપયોગ કરીને આરોપીઓએ કરોડોની સ્થાવર મિલકતો વસાવી હતી. આ દિશામાં તપાસ બાદ ઇડીએ ત્રણ મુખ્ય મિલકતો ટાંચમાં લીધી છે.
પહેલી કાર્યવાહી ચોર્યાસી તાલુકામાં આવેલી જમીન પર કરવામાં આવી છે. અહીંના રેવન્યુ સર્વે નંબર ૨૦૪૬, ૨૦૫૫-એ અને ૨૦૫૫-બી વાળી જમીન, જે મુખ્ય આરોપી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેની પત્ની સોમૈયા મકબુલ ડોક્ટરના સંયુક્ત નામે હતી, તેને ટાંચમાં લેવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીનની કિંમત રૂપિયા ૧,૨૧,૪૫,૦૦૦ આંકવામાં આવી છે. બીજી મોટી મિલકત નવસારી નજીક જલાલપુર ખાતે આવેલી છે. અહીં દીવાને ખાસ‘ પ્રોજેક્ટમાં આવેલો બ્લોક નંબર ૧૪૫ અને પ્લોટ નંબર ૬૪, જેની કિંમત રૂપિયા ૮૬,૨૨,૦૦૦ છે, તેને પણ જપ્ત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સંપત્તિ માત્ર ડૉ. મકબુલની પત્ની સોમૈયા મકબુલના નામે નોંધાયેલી હતી. ઇડીએ આ સંપત્તિને ફ્રોડના રૂપિયાથી વસાવેલી ગણીને ટાંચમાં લીધી છે.








