મુંબઈ, તા.૧૩
મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા બાબા સિદ્દિકીની શનિવારે રાતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ચાર લોકોને સોપારી આપીને ઘટનાને અંજામ આપ્યાનો દાવો કરાયો હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી લેવામાં આવી છે. આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરવામાં આવી હતી. જાેકે હજુ સુધી આ પોસ્ટની પુષ્ટી થઇ શકી નથી. ત્યારે આ વચ્ચે હવે બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. બાન્દ્રામાં તેના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ ‘સલમાન ખાનના પરિવારે સલમાનના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને નજીકના લોકોને અપીલ કરી છે કે મહેરબાની કરી હાલ કોઈ મુલાકાત કરવા ઘરે ન આવશો.’ પ્રાપ્ત માહિતી પ્રમાણે સલમાન પોતાના ખૂબ જ નજીકના મિત્રને ગુમાવ્યા બાદ ખૂબ જ દુઃખી છે. બાબા સિદ્દિકી સલમાનનો માત્ર મિત્ર જ નહોતો પરંતુ એક પરિવાર જેવા હતા. તાજેતરમાં જ બાબા સિદ્દિકી પોતાના દીકરા જીશાન સાથે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેને મળવા માટે ગયો હતા, આ દરમિયાન તેમનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સાચા મિત્રની જેમ સલમાન પણ આ દુઃખદ ઘટના બાદ બાબા સિદ્દિકીના પરિવારને મળવા માટે પહોંચ્યો હતો. જાેકે, કાલે રાત્રે લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ સલમાન આખી રાત સૂઈ નહોતો શક્યો. તે સતત જીશાન અને પરિવારની સ્થિતિ વિશે માહિતી મેળવી રહ્યો હતો. સિદ્દિકી પરિવારના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, ભાઈ ફોન પર અંતિમ સંસ્કારની તૈયારીઓથી લઈને દરેક નાની-મોટી માહિતી લઈ રહ્યો છે.તેણે આગામી કેટલાક દિવસો માટે પોતાની તમામ વ્યક્તિગત મીટિંગ પણ રદ કરી દીધી છે.
સલમાનના નજીકના પરિવારના સદસ્યો પણ આ ખોટથી એટલા જ દુઃખી છે.અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ બાબા સિદ્દિકીના ખૂબ નજીક હતા.તેઓ હંમેશા તેમની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતાં હતા.