ગુજરાતમાં આજે (9 ડિસેમ્બર) મોડી સાંજે IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરના ત્રણ IPS અધિકારીઓની બહાર બદલી થઈ છે. જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યૂરોમાં તે જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાંથી ઝોન 1 ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન 2 શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી હોવાનું આ ઓર્ડર પરથી જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ બધાની સાથે અમરેલી જિલ્લાના ડીએસપી હિમકરસિંહની બદલી રાજકોટ રૂરલ ડીએસપી તરીકે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે (9 ડિસેમ્બર) 25 IPS અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે આગામી નજીકના દિવસોમાં વધુ એક બદલીનો લીથો જાહેર કરવામાં આવશે. જેમાં બીજા લીથાની અંદર સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા IPS અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બીજા લીથામાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 3 સહિત સૌરાષ્ટ્રના સોમનાથ, જૂનાગઢ, મોરબી અને પોરબંદર જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામાં આવે છે.