મનપાના અધિકારીઓ કોર્પોરેટરની તો શું વાત કરીએ ધારાસભ્યને પણ
ગાંઠતા નથી, પૂર્વ વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખી ફરીયાદ કરવી પડે છે
સુરત,તા.૧૫
શહેર મનપાના ઈસ્ટ ઝોનના કોર્પોરેટરો અને અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં પોતાના વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે ‘મેસેજ વોર’ જામી હોવાના સ્ક્રીનશોટ વાઈરલ થયા છે. મહિલા કોર્પોરેટરે વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે, અમારા વિસ્તારની સોસાયટીનું કામ ન થતું હોય તો કહી દો. જેથી સામે અધિકારીએ વળતો જવાબ આપતા લખ્યું હતું કે, ખોટી રજૂઆતો નહીં કરવાની. મારાથી નથી થતું, બદલી કરાવવી હોય તો કરાવી દો. વોટ્સએપ ગ્રુપમાં અધિકારી અને મહિલા કોર્પોરેટર વચ્ચે થયેલી ચકમકના સ્ક્રીનશોટ વાઈરલ થયા છે. ગ્રુપની અંદર આજે અધિકારી અને કોર્પોરેટર વચ્ચે જબરજસ્ત ચકમક ચાલી હતી. વરાછા ઝોનના અધિકારી સાવન પટેલે ગ્રુપમાં તરત જ વળતો જવાબ આપ્યો કે, ખોટી ફરિયાદ કરવી નહીં. મહિલા કોર્પોરેટર એ કહ્યું કે, જાે કામ ન થતું હોય તો ના કહી દો.. એના જવાબમાં અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં લખી નાખ્યું કે, બદલી કરાવી નાખો. મહિલા કોર્પોરેટરે કહ્યું કે, તમે બદલી કરાવવા માટે આ કામ નથી કરતા. અધિકારીએ કહ્યું કે સારું કામ નથી કરતો તો મને બેસાડી દો. આખું વરાછા ખાલી કરી દો અને તમારા મનગમતા વ્યક્તિઓને ગોઠવી દો. હું પણ જાેઉં કેવી રીતે વરાછા ચાલે. કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે સંકલન થાય તેના માટે જે તે ઝોનની અંદર ગ્રુપ બનાવેલાં હોય છે. જેમાં પોતાના વિસ્તારની ફરિયાદ અંગે રજૂઆત કરવામાં આવતી હોય છે.
કોર્પોરેટર સ્વાતિ ક્યાડાએ ગ્રુપમાં લખતાની સાથે જ ડેપ્યુટી ઇજનેર સાવંત પટેલે તેના સીધા શબ્દોમાં જવાબ આપી દેતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે, આ ગ્રુપની અંદર મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ મેમ્બર છે. આ પ્રકારની વાતોને લઈને શહેરભરમાં ચર્ચા જાેર પકડ્યું છે કે અધિકારીઓ અને કોર્પોરેટરોની વચ્ચે એકબીજા સાથે યોગ્ય તાલમેલ રાખીને કામ કરવામાં આવતું નથી. કોર્પોરેટર સ્વાતિ ક્યાડાએ જણાવ્યું કે ઈસ્ટ ઝોનમાં જે સ્થાનિક સોસાયટીઓ છે ત્યાં સ્વચ્છતા ડ્રેનેજ સહિતના અનેક પ્રશ્નો હોય છે દરેક વખતે લોકો અમને સવારમાં ફરિયાદો કરતા હોય છે કે, અમારી વિસ્તારની અંદર અમારી સોસાયટીમાં આ પ્રકારની મુશ્કેલીઓ છે. તો અમારે આ મુશ્કેલી અધિકારીઓને જણાવવાની હોય છે અને અધિકારીઓ જ્યારે કામ ના કરતા હોય ત્યારે અમે એને પૂછે કે, કેમ યોગ્ય રીતે કામ થતું નથી આવો જ એક કિસ્સો હતો અને મેં ગ્રુપમાં લખ્યું તો તેમણે આ પ્રકારે એકાએક ઉગ્ર થઈને લખવાનું શરૂ કરી દીધું. પોતે જ પોતાની બદલી કરવાની વાત કરવાનું શરૂ કરી દીધું હતું. અમારી એક પણ ફરિયાદ ખોટી નથી, તમામ પુરાવા સાથે અમે લોકો ફરિયાદ કરતા હોઈએ છીએ. ડેપ્યુટી ઇજનેર સાવન પટેલે કહ્યું કે, કોર્પોરેટર દ્વારા જે લખવામાં આવ્યું હતું તેને લઈને મારી પ્રતિક્રિયા આપી હતી. મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ખોટી રજૂઆત નહીં કરવાની. સસ્પેન્ડ કરવો હોય તો કરી દો મને જાેવાઈ જશે. કોર્પોરેટરની ફરિયાદ મળે તો અમે કામ કરીએ છીએ દરેક વખત પરિસ્થિતિ સમજવાની હોય છે.